– લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને નામ બદલી નાખ્યું છે- કાઉન્સિલર ધર્મેશ ભંડેરી
– નિયમ પ્રમાણે નામ બદલવા જોઈએ, કોઈ પોતાની મનમાની ન કરી શકે-કમિશનર
સુરત : સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી છે.આમ આદમી પાર્ટીએ જીત મેળવતાં જ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો ઉત્સાહમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ગાર્ડનનું નામ ઘણા સમયથી પાટીદાર કરવાની લોકોની માંગ હતી.જો કે, વોર્ડ નંબર 17માં આપના કાઉન્સિલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરને બોલાવ્યા હતા પરંતુ એ ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું.બાદમાં કાઉન્સિલરે કહ્યું કે,અમે હવે પાલિકામાં રજૂઆત કરીને કમિશનર પાસેથી લોકોના હિતમાં સહમતિ લઈશું.નામ બદલી નાખવા અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ. લોકો કે કોઈની મન માની ન ચાલી શકે.જો કે વિવાદના પગલે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું છે.
યોગી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાએ જે બગીચો બનાવ્યો હતો. તેનું નામ એકાએક આમ આદમી પાર્ટી દ્વારા બદલી નાખવામાં આવ્યું છે.ગાર્ડનનું નામ મહાનગરપાલિકા દ્વારા યોગી ગાર્ડન કરવામાં આવ્યું હતું.જેને પાટીદાર કોર્પોરેટર ધર્મેશ ભંડેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકોએ સાથે મળીને મોડી રાતે જઈને યોગી ગાર્ડનને પાટીદાર ગાર્ડનનું નામ આપી દીધું છે.નામને લઈને હવે પોલિટિક્સનો દૌર સુરત શહેરમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે.
આપના કાઉન્સિલર ધર્મેશ ભંડારીએ કહ્યું કે, લોકોની લાગણીને પ્રમાણે નામ કર્યું છે આગામી દિવસોમાં કમિશનરની મંજૂરી લઈ લઈશું.આમ આદમી પાર્ટીના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીએ કહ્યું કે,યોગી ચોક વિસ્તારમાં પાટીદારોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે.યોગી ચોક વિસ્તારમાં બનાવાયેલા ગાર્ડનને અગાઉ પાટીદાર ગાર્ડન નામ લોકોએ જ આપ્યું હતું.જો કે,ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા તેમાં ફેરફાર કરીને યોગી ગાર્ડન નામ રાખવામાં આવ્યું હતું.જેને લઇને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો.સ્થાનિક લોકો દ્વારા અમને આવીને રજૂઆત કરવામાં આવી કે, પહેલા પાટીદાર ગાર્ડન નામ રાખવાનું નક્કી કર્યા બાદ આ માટે યોગી ગાર્ડન નામ આપવામાં આવ્યું છે.લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે યોગી ગાર્ડનને પાટીદાર નામ આપ્યું છે.અમે કમિશનરને રજૂઆત કરીને નામ લોકોની માગ પ્રમાણેનું નામ રાખવા પણ આગળ કામ કરીશું.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નામ બદલા અંગે જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા બનાવેલી કોઈ પણ જાહેરસરની મિલકતનું નામ નિયમ અનુસાર રાખવામાં આવે છે.કોર્પોરેશનના જનરલ બોર્ડની અંદર જે નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એ જ નામ રાખવામાં આવતું હોય છે.કોઈપણ વ્યક્તિ,રાજકીય પક્ષ કે સમાજ પોતાની મનમાની રીતે તેનામાં કોઈ ફેરફાર કરી શકતું નથી.
રાતો રાત આપના કાઉન્સિલર સમર્થિત લોકો અને કાર્યકરોએ યોગી ગાર્ડનનું બોર્ડ હટાવી પાટીદાર ગાર્ડન નામ આપી દીધું હતું.જેથી વિવાદ ઉભો થયો હતો.આ દરમિયાન પાલિકાના કર્મચારીઓ દ્વારા પાટીદાર ગાર્ડનના બોર્ડને હટાવી દઈને જૂનું યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું.