સુરત : રેતી ભરેલું ટ્રેકટર તાપી નદીમાંથી પકડી ખાણ ખનીજવાળાઓને જાણ નહી કરવાના,તેમજ ટ્રેકટર છોડી દેવાના અવેજ પેટે 2 લાખની લાંચ માંગી 1.50 લાખની લાંચ લેનાર ઉત્રાણ પોલીસ મથકના પોલીસ કર્મચારી રઈશ ગુલામ હુસેન સામે એન્ટી કરપશન બ્યુરોએ ગુનો નોંધ્યો છે.એસીબીની ટીમે દરોડા પાડતા પોલીસકર્મી લાંચની રકમ લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો
સુરતમાં રહેતા વ્યક્તિ રેતી કપચીનો વેપાર કરે છે.ગત 23 નવેમ્બરના રોજ ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.પો.કો. રઈશ ગુલામ હુસેને વેપારીનું રેતી ભરેલું ટ્રેકટર તાપી નદીમાંથી પકડયુ હતું અને બાદમાં ટ્રેકટરને ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલા હતા.જ્યાં રઈશ હુસેનને રૂબરૂ બોલાવી રેતી ભરેલ ટ્રેકટર બાબતે ખાણ ખનીજવાળાઓને જાણ નહી કરવાના તેમજ ટ્રેકટર છોડી દેવાના અવેજ પેટે 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.જો કે રકઝકના અંતે 1.50 લાખ લેવાના નક્કી કર્યા હતા અને બાદમાં 500 રૂપિયાની દંડની રસીદ આપી ટ્રેકટર છોડી આપ્યું હતું.જે બાદ ગઈકાલે વેપારીની ઓફિસ પર જઈ નક્કી કરેલી રકમ 1.50 લાખની માંગ કરી હતી. જો કે આ સમગ્ર મામલે ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું.આ દરમિયાન પોલીસકર્મી લાંચ સ્વીકારતા ACBની ટીમ ત્યાં ત્રાટકી હતી.જો કે પોલીસ કર્મચારી રઈશ ગુલામ હુસેન ACBની ટીમને ચકમો આપી લાંચની રકમ લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.આ સમગ્ર મામલે ACBની ટીમે ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા રઈશ ગુલામ હુસેન સામે ગુનો નોંધી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં થોડા દિવસ અગાઉ જ સહાયક માહિતી નિયામક અને જુનિયર કલાર્ક લાંચ લેતા ઝડપાયા હતા ત્યાં હવે પોલીસકર્મી એસીબીના છટકામાં ભેરવાતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.જો કે પોલીસકર્મી લાંચની રકમ લઈને નાસી છૂટતા એસીબીની ટીમે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

