– લોકો ઓન લાઈન શાકભાજી મંગાવવા ઉતાવળા
– ત્રણ હજારથી વધુ લોકોને ઘર બેઠા શાકભાજી પહોંચાડાયું: લોકો સુધી વિતરણ કરવા માર્કેટે મ્યુનિ. પાસે સ્ટાફ, જગ્યાની માગણી કરી
સુરત, તા. 26 માર્ચ 2020 ગુરૂવાર
કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર દેશમાં 21 દિવસનું લોક ડાઉનનો અમલ કડકાઈથી કરવામાં આવી રહ્યો છે. આ લોક ડાઉનમાં સુરતીઓને શાકભાજી ઘરે પહોચાડવા માટે મ્યુનિ- એપીએમસી માર્કેટે જાહેરાત કરી હતી પરંતુ સુરતીઓ શાકભાજી મંગાવવા માટે તુટી પડતાં એપીએમસીની વેબ સાઈટ હેંગ થઈ ગઈ જ્યારે બુકીંગ માટેનો ફોન સતત એન્ગેજ જ આવી રહ્યો છે. હવે એપીએમસી માર્કેટે લોકો સુધી શાકભાજી પહોંચાડવા માટે મ્યુનિ.ના સ્ટાફ, સાધન અને જગ્યાની માગણી કરી છે.
સુરતમાં રવિવારે જનતા કરફયુ બાદ પણ સ્થિતિ સામાન્ય ન થતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારત દેશને 21 દિવસ સુધી લોક ડાઉનનો કડકપણે અમલ કરવા માટે જણાવ્યું છે.
સુરત મ્યુનિ.તંત્રએ આ લોક ડાઉન દરમિયાન સુરતીઓને જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે તે માટે શાકભાજી બજાર પર પ્રતિબંધ નથી મુક્યો પણ ત્યાં મોટી સંખ્યામાં ભગી થતી ભીડ મુશ્કેલી સર્જી રહી છે. મ્યુનિ. તંત્રે એપીએમસી માર્કેટ સાથે ચર્ચા કરીને લોકોને ઘર બેઠા શાકભાજી મળી રહે તેવા પ્રયાસ કર્યા છે.
એપીએમસી માર્કેટ દ્વારા લોકોને શાકભાજીની હોમ ડિલેવરી માટે વેબ સાઈટ અને લેન્ડ લાઈન નંબર જાહેર કર્યા છે પરંતુ સુરતીઓ એક સાથે તુટી પડતાં એપીએમસી માર્કેટની વેબ સાઈટ હેંગ થઈ ગઈ છે અને ફોન સતત વ્યસ્ત જ રહે છે.
આવી સ્થિતિ હોવાથી આજે એપીએમસી માર્કેટના સંચાલક રમણ જાની અને સંદિપ દેસાઈ મ્યુનિ.કમિશનર બન્છાનિધિ પાની સાથે બેઠક કરી હતી.તેઓએ કહ્યું હતું કે, શહેરીજનોને શાકભાજી મળી રહે તેટલી માત્રામાં જથ્થો છે પરંતુ સ્ટાફની અછત છે.
મ્યુનિ.તંત્ર એપીએમસી માર્કેટને ઝોન પ્રમાણે જગ્યા અને સ્ટાફ સાથે વાહનોની ફાળવણી કરે તો તેઓ આખા સુરતમાં શાકભાજી સેવા લોકોને ઘરે બેઠા પુરા પાડી શકે છે.આટલું જ નહીં પરંતુ શાકભાજી લોકોને ઘર બેઠા મળી રહે તો લોકો નાહકની ભીડ પણ વકરે તે મુજબની રજુઆત કરી છે. મ્યુનિ.તંત્ર પાસે એપીએમસી માર્કેટ રજુઆથ કરી છે હવે તેના પર મ્યુનિ.તંત્ર નિર્ણય કરશે.