સુરત : તા.22 મે 2022 રવિવાર : પુણાની અવધ ટેક્સટાઇલ માર્કેટ પાછળ ઇકોમ એક્ષપ્રેસ કંપનીના ગોડાઉનમાંથી સચિન સ્થિત ગોડાઉન જવા નીકળેલો સોનમ રોડ કેરીયર ટ્રાન્સપોર્ટનો ડ્રાઇવર 3443 નંગ પાર્સલ કિંમત રૂ.18.26 લાખના પાર્સલ બારોબાર સગેવગે કરી ટ્રક બિનવારસી મુકીને ફરાર થઇ જતા પુણા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
પુણા સ્થિત અવધ ટેક્સટાઇલ માર્કેટની આવેલા ઇકોમ એક્ષપ્રેસ નામની ઓનલાઇન શોપીંગ કંપનીના ગોડાઉનમાંથી સોનમ રોડ કેરીયર નામના ટ્રાન્સપોર્ટની ટ્રક નં.જીજે-01 ડીઝેડ-1862 નો ડ્રાઇવર અર્જુનસિંહ દુર્યોધનસિંહ રાજપૂત(રહે.502,હરિનગર વિભાગ 3,ઉધના અને મૂળ.બરેહી,તા.મુસાફીરખાના,જિ. અમેઠી,યુ.પી)તા. 4 મે ના રોજ 3443 નંગ પાર્સલ લઇ સચિન સ્થિત કંપનીના ગોડાઉનમાં જવા નીકળ્યો હતો.પરંતુ અર્જુનસિંહે 3443 નંગ પાર્સલ કિંમત રૂ.18.26 લાખના બારોબાર સગેવગે કરી ટ્રક કડોદરા ચાર રસ્તા પાસે બિનવારસી મુકીને ફરાર થઇ જતા પુણા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

