– વકીલો અને કોર્ટ ની મધ્યસ્થીથી માતાએ બાળકીને સંબંધી ના ઘરે મળવા દેવાની પિતાને વ્યવસ્થા કરાવી આપી તો બીજી બાજુ પિતાએ માસિક રૂ.2500 ભરણપોષણ આપવાની તૈયારી દર્શાવી
સુરત, તા. 30 : કોરોના કાળને લીધે અટકી પડેલી કોર્ટ કાર્યવાહી વચ્ચે 2 વર્ષની દીકરીને જન્મ દિવસે મળવાની પિતાની ઇચ્છા ઓનલાઇન કાર્યવાહીને લીધે પૂર્ણ થઇ હતી.બીજી બાજુ બંને પક્ષના વકીલો અને કોર્ટની ઓનલાઇન મધ્યસ્થિથી પતિએ બાળકીના દૂધ સહિતના રોજીંદા ખર્ચને પહોંચી વળવા માસીક રૂ.૨૫૦૦ ભરણપોષણ આપવાની તૈયારી દર્શાવતા કોર્ટે તેના ઉપર મંજૂરીની મહોર મારી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના લાલગેટ વિસ્તાર રહેતી સલમાબીબીના ઉધના વિસ્તારમાં રહેતાં શાહિદ (પક્ષકારોના નામ બદલેલ છે) સાથે ચાર વર્ષ પૂર્વે નિકાહ થયા હતાં. જે દરમિયાન તેમને સંતાનમાં એક દીકરી (ઉ.વ.૨)નો જન્મ થયો હતો.જો કે પતિ પત્ની વચ્ચે ખટરાગ થતાં પત્ની દીકરીને લઇને પિયર રહેવા આવી ગઇ હતી. જેથી પતિ શાહિદે પુત્રીનો કબ્જા મેળવવા ફેમીલી કોર્ટમાં વાલી અરજી કરી હતી.બીજી બાજુ દીકરી અને પોતાના માટે સલમાબીબીએ ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરી હતી.
દરમિયાન કોરોનાના કારણે બંને કેસોમાં ટ્રાયલની કાર્યવાહી અટકી પડી છે.જેથી સલમાબીબીએ કોરોના મહામારીના લીધે આર્થિક સંકટ ઉપસ્થિત થતાં બાળકી માટે દૂધ સહિત અન્ય ખર્ચ મેળવવા ઍડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે ઓનલાઇન વચગાળાની ભરણપોષણની અરજી કરી હતી. બીજી બાજુ પતિએ પણ બાળકીનો જન્મ દિવસ હોય બાળકીને રૂબરૂ મળવા ઍડવોકેટ હિરલ પાનવાલા મારફતે ફેમિલી કોર્ટમાં ઓનલાઇન અરજી કરી હતી.જેમાં ઍડવોકેટ જોગડિયાએ હકારાત્મક અભિગમ દાખવી સંબંધીના ઘરે બાળકીને પિતા સાથે મળવા દેવાની પરવાનગી અપાવી હતી.બીજી બાજુ ઍડવોકેટ પાનવાલાઍ પણ મધ્યસ્થિથી માસીક રૂ.૨૫૦૦ ભરણપોષણ આપવાની પતિ તરફથી તૈયારી દર્શાવી હતી.જેના ઉપર કોર્ટે મંજૂરીની મહોર મારી હતી.આમ ઓનલાઇન થયેલી કાર્યવાહીમાં વકીલો અને કોર્ટની મધ્યસ્થિથી બંને કેસોમાં હકારાત્મક પરિણામ મળ્યું હતું.


