સુરત, 15 જુલાઈ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સુરતના ડીઇઓએ ઓલપાડ-માંગરોળ તાલુકાના શિક્ષકોને તેમના તાલુકાની ચેકપોસ્ટ પર કોવીડ-19ની મહામારી અંતગર્ત કામગીરી કરવાની સૂચના આપતો પરિપત્ર જાહેર કર્યો છે.તેમના આ પરિપત્રથી જિલ્લાભરના શિક્ષકોમાં ભારે કચવાટ પેદા થયો છે.
સુરત ડીઇઓએ જે પરિપત્ર જાહેર કર્યો છે તે પરિપત્ર મુજબ જાહેર ઓલપાડ-માંગરોળ તાલુકામાં આવેલી ચેકપોસ્ટ પર કોવિડ-19 મહામારી અંતર્ગત શિક્ષકોએ સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી, બપોરે 2 વાગ્યાથી સાંજના 8 અને સાંજના 8થી સવારના 8 સુધી એમ ત્રણ પાળીમાં કામગીરી કરવાની રહેશે.આ કામગીરી માટે ઓલપાડ તાલુકાના 18 અને માંગરોળ તાલુકાના 24 શિક્ષકોને 14મી જુલાઈ એટલે કે મંગળવારે સવારે આઠ વાગ્યાથી ઓલપાડની ચેકપોસ્ટ પર તેમજ 3 શિક્ષકોને અને માંગરોળ તાલુકાના ચેકપોસ્ટ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.આ પરિપત્ર મુજબ ચાર શિક્ષકોને રોટેશન મુજબ હાજર રહેવા પણ જણાવાયું છે.આ પરિપત્રના કારણે શિક્ષકોને કોરોનાની વિકટ મહામારી સાથે કામ કરવાનું હોવાથી શિક્ષકોમાં ડર સાથે કચવાટ ફેલાયો છે.


