સુરત, 17 ડિસેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એસેસમેન્ટ વર્ષ 2020-21માં ઇન્કમ ટેક્ષ રિટર્ન અને જીએસટી અંતર્ગત ઓડિટ રિપોર્ટ ભરવાની ડયુ ડેટ લંબાવવા માટે ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત કરવામાં આવી છે.કોરોના મહામારીને કારણે તેમજ હાલમાં પણ ચાલુ રહેલા રાત્રિ કરફયૂને પગલે ઇન્કમ ટેક્ષ અને જીએસટી પ્રેક્ટીસ કરનારા પ્રોફેશનલ્સને પરિવહનમાં આવતી તકલીફ અને એના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા એસેસમેન્ટ વર્ષ 2020-21માં ઇન્કમ ટેક્ષ રિટર્ન અને જીએસટી અંતર્ગત ઓડિટ રિપોર્ટ ભરવાની ડયુ ડેટ પ્રમાણે પહોંચી વળાય તેવી શકયતા નહીંવત હોવાને કારણે તથા ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાના પોર્ટલ ઉપર યુટીલીટીઝ ઉપલબ્ધ ન હતી, જે સામાન્યપણે દર વર્ષની 1લી એપ્રિલ સુધીમાં ચાલુ થયેલી હોવી જોઇએ.પરંતુ અમુક કેસો જેવા કે ITR 3, ITR 6 અને ITR 7 માટે યુટીલીટી સપ્ટેમ્બર મહિના સુધી પોર્ટલ ઉપર ઉપલબ્ધ ન હતી.જેના કારણે ઘણા રિટર્ન્સ ફાઇલ થઇ શકયા ન હતા.વધુમાં હવેથી આઇટીઆર ફાઇલ કરતી વખતે નવી વધારાની વિગતો આપવાની જોગવાઇ કરવામાં આવી છે,જેવી કે Details of cash portion in Gross receipts, Tax paid u/s 92 CE વિગેરે માહિતીને ભેગી કરતા ખાસ્સો સમય લાગે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ચેમ્બર દ્વારા નાણાં મંત્રી નિર્મલા સીતારામણ સમક્ષ જે માંગણી કરવામાં આવી છે.તેમાં,નાણાંકીય વર્ષ 2018-19 માટેના એન્યુઅલ જીએસટી રિટર્ન ભરવાની તા. 31 ડિસેમ્બર 2020થી લંબાવીને 31 માર્ચ 2021 સુધી કરવામાં આવે.નાણાંકીય વર્ષ 2018-19 માટે ફોર્મ 9C થકી જીએસટી ઓડિટ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020થી લંબાવીને 31 માર્ચ 2021 સુધી કરવામાં આવે.મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર દ્વારા કંપનીઓના કેસમાં એન્યુઅલ જનરલ મિટીંગ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 સુધી આપી હતી. પરંતુ કંપનીના નાણાંકીય હિસાબો અને સ્ટેચ્યુટરી ઓડિટ પણ લંબાવવાને કારણે એજીએમ કરવાની કંપનીઓને પરવાનગી તા. 31 માર્ચ 2021 સુધી લંબાવી આપવામાં આવે.વિવાદ સે વિશ્વાસ સ્કીમની અવધિ તા. 31 માર્ચ 2021 સુધી લંબાવવા તથા તેમાં ટેક્ષ ભરવાની તારીખ 1 એપ્રિલ-2021 થી વધુ લંબાવવા તથા વધારાનો ટેક્ષ ભરવાની તારીખ 1લી જુલાઇ 2021થી વધુ લંબાવવામાં આવે. ટેક્ષ ઓડિટ રિપોર્ટની તારીખ 28 ફેબ્રુઆરી 2021 તથા ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવે.


