સુરત : રાજ્ય સહિત સુરત જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું લાગુ થઈ ગયુ છે.સુરત જિલ્લામાં કુલ 498 ગ્રામ પંચાયતોમાં પંચાયત બોડી માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ મતદાન થશે.રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા જ ગ્રામીણ વિસ્તારનું રાજકારણ ગરમાયુ છે.ખાસ કરીને ગ્રામ પંચાયતમાં રાજકીય પક્ષો સત્તાવાર રીતે ચૂંટણી લડતા નથી પરંતુ ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પોતપોતાના કાર્યકરો ગ્રામ પંચાયતમાં શાસનમાં આવે તે માટેની ગતિવિધિ તેજ કરી લીધી છે.શાસક પક્ષ ભાજપે હાલમાં જ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા,પેવર બ્લોક,પાણી,વીજળી સહિતની સુવિધાઓ ઉભી કરવા ઠેર ઠેર ગામડાઓમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો સંપન્ન કર્યા છે.પોતાના કાર્યકરો જ પંચાયતની સત્તામાં બેસે તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે.તો કોંગ્રેસ પણ પાછળ નથી.કોંગ્રેસ દ્વારા યુવાઓને આકર્ષવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાથી લઈ અન્ય કોઈ પણ માહિતી મેળવવા માટે તેની કાર્યાલય પર વિશેષ અભિયાન શરૂ કરનાર હોવાનું જાણવા મળે છે.સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં 498 ગ્રામ પંચાયતોની 4268 વોર્ડમાં ચૂંટણી યોજાશે.જેલ્લામાં 1082 મતદાન કેન્દ્રો પર બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે.કુલ 4 લાખ 63 હજાર 197 પુરુષ, 4 લાખ 50 હજાર 288 મહિલા અને 9 અન્ય મળી કુલ 9 લાખ 13 હજાર 424 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 21મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.
બારડોલીમાં 69 ગ્રામ પંચાયતમાં થશે ચૂંટણી
બારડોલી તાલુકામાં કુલ 75 ગ્રામ પંચાયતમાંથી 69 ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ થતી હોય 19મી ડિસેમ્બરના રોજ મતદાન થશે. સરપંચ અને સભ્ય પદ માટે યોજાનાર આ ચૂંટણીમાં 11360 મતદારો મતદાન કરી ગ્રામના વડા અને વોર્ડના સભ્યોને ચૂંટી કાઢશે.આ માટે બારડોલી તાલુકાના ગામડાઓમાં આંતરિક રાજકારણ ગરમાય ગયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં બારડોલી તાલુકામાં 69 ગ્રામ પંચાયતમાંથી 27 ગ્રામપંચાયતો સમરસ જાહેર થઈ હતી.ત્યારે આ વખતે કેટલી ગ્રામ પંચાયત સમરસ થાય છે તે જોવું રહ્યું.


