સુરત : મોડલ આંગણવાડીની થઇ રહેલી વાતો વચ્ચે સુરત જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાંથી 106 આંગણવાડીઓ છેલ્લા બે કે તેથી વધુ વર્ષથી જર્જરિત કે ખખડધજ થઇ ગઇ હોવા છતા રીપેર નહીં કરાઇ હોવાથી નાના ભૂલકાઓ બહાર ઓટલા પર બેસીને કે ભાડાના મકાનમાં ભણવુ પડી રહ્યુ છે.ગામડાઓમાં નાના નાના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ 14 ઘટકોમાં 1733 આંગણવાડીઓ આવી છે.આ આંગણવાડીઓમાંથી 106 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે.
આ અંગે વિરોધ પક્ષ દ્વારા ફરિયાદ કરાઇ છે કે રાજયમાં સૌથી વધુ સ્વભંડોળનું બજેટ ધરાવતી સુરત જિલ્લા પંચાયતના બજેટ પૈકી કરોડો રૃપિયાની ગ્રાન્ટ આંગણવાડી માટે ફાળવે છે.છતા બે કે તેથી વધુ વર્ષથી 106 આંગણવાડીઓની ખખડધજ થઇ ગઇ છે.જેમાં કેટલીક આંગણવાડીઓ તો એવી છે કે ભણનારા બાળકો ભાડાના મકાનમાં બેસીને ભણવા મજબુર બની રહ્યા છે.અથવા તો ખુલ્લામાં બેસીને કે ઓટલા પર બેસીને ભણી રહ્યા છે.આક્ષેપો થયા છે કે પ્રતિ વર્ષ કરોડો રૃપિયા મોડલ આંગણવાડી,આંગણવાડીના રીપેર તેમજ અન્ય કામગીરી માટે ખર્ચાતા હોય તો રૃપિયા કયા ચાલ્યા જાય છે.તે તપાસનો વિષય બન્યો છે.સરકાર દ્વારા એક તરફ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાતો કરાઇ છે.જયારે પાયાની સુવિધા જ નહીં હોય તો સરકારની નીતિ પર શંકા જાય છે.હાલમાં સુરત જિલ્લામાં ઉમરપાડા માં27,માંડવીમાં 20,માંગરોળ,મહુવામાં 13,બારડોલીમાં 25,પલસાણામાં 4,ઓલપાડ,ચોર્યાસી કામરેજમાં એક-એક આંગણવાડી જર્જરિત હાલતમાં છે.