– જગદીશ પટેલને રવાના કરો નહીં તો અમે ઘરે બેસી જઈએ એમ કહી નોંધાવ્યો વિરોધ
`
બારડોલી : કોંગ્રેસના 60થી 65 હોદ્દેદારો અને નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર લખી જિલ્લા પ્રમુખ પદેથી જગદીશ પટેલ (કનાજ)ને હટાવવાની માગ કરી છે.આ ઉપરાંત 250થી વધુ કાર્યકરોએ પણ પ્રમુખને ફોન કરી પોતાની હૈયાવરાળ ઠાલવી હોવાનું જાણવા મળે છે. મોટા ભાગના કાર્યકરોએ જગદીશ પટેલને રવાના કરો અથવા તો અમે ઘરે બેસી જઈએ એવો પત્રમાં ઉલ્લેખ કરતાં કોંગ્રેસનું આંતરિક રાજકારણ ગરમાય ગયું છે.જગદીશ પટેલ સામે કાર્યકરોનો રોષ જોતાં આગામી દિવસમાં કોંગ્રેસમાં મોટો ભડકો થાય તો નવાઈ નથી.
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જગદીશ પટેલે કાર્યભાર સાંભળ્યો ત્યારથી તેમનો અંદરોઅંદર વિરોધ થતો આવ્યો છે.અનેક કાર્યકરોએ તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે અગાઉ પણ રજૂઆત કરી છે.જો કે તેમ છતાં તેમણે ખસેડવામાં આવ્યા નથી.જગદીશ પટેલની કાર્ય પદ્ધતિથી તંગ આવી ચૂકેલા કાર્યકરો અને તાલુકા કોંગ્રેસ અને અન્ય સેલના હોદ્દેદારોએ હવે તેમની સામે ખુલ્લો બળવો કર્યો છે.બારડોલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ હસમુખ પટેલ, સુરત જિલ્લા એસટી સેલ પ્રમુખ અમિત ચૌધરી,સહકારી અગ્રણી સુરેશ રાનીયા,એનએસયુઆઇના પૂર્વ મંત્રી અપૂર્વસિંહ પરમાર સહિતના નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને વોટ્સએપ પર પત્ર લખી જિલ્લા પ્રમુખ જગદીશ પટેલને હોદ્દા પરથી દૂર કરવાની માગ કરી છે.જિલ્લા એસટી સેલના અમિત ચૌધરીએ પ્રમુખ પર એવો પણ આક્ષેપ કર્યો છે કે તેઓ ભાજપના અંડર કવર એજન્ટ બની સારા નેતાઓને ઘરે બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોંગ્રેસ જિલ્લામાંથી સાફ થઈ ગઈ છે.પત્ર લખનાર તમામ નેતાઓએ છેલ્લે કોંગ્રેસના માથેથી જગદીશ પટેલની કાળી ટીલી દૂર કરો અથવા તો અમને ઘરે બેસાડી દો એમ કહી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.આ પત્રો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં જગદીશ પટેલ સામે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


