સુરત જિલ્લા ભાજપમાં આગામી દિવસમાં મોટી નવાજૂની થવાના એંધાણ સર્જાયા છે.સુરત જિલ્લા ભાજપના માજી ઉપપ્રમુખ અને માજી એસ.સી.સેલના પ્રમુખ એવા રાજેન્દ્ર સોલંકી (મોરથાણા) આપમાં જોડાય તેવી સંભાવના છે.શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને આપના નેતા મહેશ સવાણી અને પ્રદેશ મંત્રી રામ ધડુકે મુલાકાત કરતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.રાજેન્દ્ર સોલંકીના નિવાસ સ્થાને 40 થી વધુ ભાજપના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે.
સુરત જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી પાયાના કાર્યકરોને કોરાણે મૂકી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.જેઓ શરૂઆતથી જ પાર્ટી સાથે જોડાયેલા છે તેવા અનેક નેતાઓને સાઈડટ્રેક કરી દેવામાં આવતા આવા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. આ નારાજગી વચ્ચે જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.જિલ્લા ભાજપના માજી ઉપપ્રમુખ,એસ.સી.સેલના માજી પ્રમુખ અને બારડોલી વિધાન સભા બેઠક પર ટિકિટની દાવેદારી કરી ચૂકેલા રાજેન્દ્ર સોલંકીના નિવાસ સ્થાને શનિવારના રોજ આપના નેતા મહેશ સવાણી અને પ્રદેશ મંત્રી રામ ધડુક શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.આપના નેતા તેમના ઘરે આવતા ભાજપના જ 40 જેટલા નારાજ પાયાના કાર્યકરો પણ તેમની મુલાકાતે પહોંચ્યા હતા.અને આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.આ શુભેચ્છા મુલાકાતને લઈ જિલ્લાના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે.રાજેન્દ્ર સોલંકી સહિત 40 જેટલા પાયાના કાર્યકરો આગામી દિવસમાં આપમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે.જોકે આ અંગે રાજેન્દ્ર સોલંકીએ આ માત્ર શુભેચ્છા મુલાકાત જ હોવાનું જણાવ્યું હતું.


