બારડોલી : સુરત જિલ્લા ભારતીય જનતાના પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત શુક્રવારના રોજ સાંકરી સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યના ઉર્જા અને પેટ્રોલિયમ રાજ્ય પ્રધાન મુકેશ પટેલની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યુ હતું કે,16 જૂનથી 15 જુલાઈ સુધી જિલ્લાના 13 મંડળોમાંથી નવા એક લાખ પ્રાથમિક સદસ્યોનો ટાર્ગેટ એક મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે.વડાપ્રધાનના 8 વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન તેમજ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં સારી સફળતા મેળવી છે.તેમણે વધુમાં જણાવ્યુ કે,વિધાનસભા બેઠક પ્રમાણે રાજકીય પ્રવાસ,અલ્પકાલિન વિસ્તારક યોજના, ચૂંટણી સહયોગનિધિ 6 જુલાઈ સુધી કરવાનું છે.બૂથ સશક્તિકરણ અભિયાન 31મી જુલાઈ સુધી ચાલશે.તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના આરજે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતું.23 જૂનના રોજ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ,6 જુલાઈના રોજ તેમનો જન્મ દિવસ,25 જૂનના રોજ કટોકટીનો કાળો દિવસ,23 જૂન થી 6 જુલાઈ સુધી તમામ મંડળોએ પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,જિલ્લા પંચયાતમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.
માજી કેબિનેટ પ્રધાન અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ ઘરે ઘરે જઈ લાભાર્થીઓનો સંપર્ક કરવાનું ચાલુ રાખવા જણાવ્યુ હતું.તેમણે કહ્યું કે કૂપોષિત બાળકોને માટે મહિલા તથા યુવાનોએ ચિંતિત થઈ દર અઠવાડિયે સંપર્ક કરવાનો રહેશે.પ્રધાન મુકેશ પટેલે જણાવ્યુ હતું કે,500 વર્ષ પછી પાવાગઢના મંદિરે વડાપ્રધાન ધજારોપણ કરવાના છે.તેમણે કહ્યું કે વડાપ્રધાનના માતા હીરાબાના 100 વર્ષ પૂર્ણ થતાં હોય તેને આપણે ગૌરવ સમાન ગણવું જોઈએ.સંગઠન અને ચૂંટાયેલા સદસ્યોએ ચૂંટણી અભિયાનમાં સતત કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
પ્રભારી ભરતભાઇ રાઠોડે જિલ્લામાં વિધાનસભાની તમામ બેઠકો જીતવા માટે સંકલ્પ લીધો હતો.કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ પારેખ,યોગેશ પટેલ અને દિપક વસાવાએ કર્યું હતું. સદસ્યતા અભિયાનના સહ સંયોજક રાજુ પટેલે આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર,સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ,સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પ્રમુખ નરેશ પટેલ, નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ કેતન પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


