સુરત, તા. 7 સપ્ટેમબર : સુરત જિલ્લા પંચાયતના નવા જાહેર થયેલા વોર્ડ સીમાંકનમાં ચૂંટણી પંચે બેઠકોની કેટેગરીમાં ધડમૂળથી ફેરફારો કરતા પંચાયતમાં હાલમાં ચૂંટાયેલા નેતાઓની રીપીટ થવાની વાત તો દૂરની રહી,ગમે તેટલા ધમપછાડા કરીને ટિકીટ લાવે તો પણ ઉભા રહી શકાઇ તેમ નહીં હોવાથી આ કેટેગરીને લઇને ભાજપમાં મોટો ભડકો થયો છે.કોઇ ચમત્કાર જ બચાવી શકે તેમ છે.ચૂંટણી લડવી હોઇ તો બીજી જગ્યાએ નજર દોડાવવી પડે તેવી હાલત નેતાઓની થઇ ગઇ છે.
સુરત શહેરનું હદ વિસ્તરણ કરીને સુરત જિલ્લાના 27 ગામો અને બે નગરપાલિકાનો સુરત શહેરમાં સમાવેશ કર્યા બાદ ચૂંટણી પંચે વોર્ડ સીમાંકનમાં ફેરફાર કરીને નવુ વોર્ડ સીમાંકન જાહેર કર્યું છે.જેમાં 40 બેઠકોમાંથી ચાર બેઠકો ઘટીને ૩૬ બેઠકો થઇ ગઇ છે. બેઠકો ભલે ઘટી ગઇ પરંતુ કેટેગરી એટલે કે આ બેઠકો પરથી કઇ કેટેગરીના ઉમેદવારો ઉભા રહેશે,તે કેટેગરીમાં ચૂંટણી પંચે ધડમૂળથી ફેરફાર કરતા સુરત જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે.જેનું મુળ કારણ સુરત જિલ્લા પંચાયતના હાલના સીટીંગ સભ્યોમાંથી નવા વોર્ડ સીમાંકન મુજબ એક પણ સભ્ય ચૂંટણી લડી શકે તેમ નથી.કેમકે ગત વખતે જે બેઠક અને કેટેગરી નક્કી કરાઇ હતી, તે બેઠકની આ વખતે આખી કેટેગરી જ બદલી નાંખતા જિલ્લા પંચાયતના એક પણ સભ્ય તેમની બેઠક પરથી આ વખતની ચૂંટણી લડી શકે તેમ નથી. જો તેમને ચૂંટણી જ લડવી હોઇ તો અન્ય બેઠકો પર નજર દોડાવવી પડશે.આમ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે તનતોડ મહેનત કરી રહેલા ભાજપ-કોગ્રેસના હાલના સભ્યોના અરમાન પર હાલ તો ચૂંટણી પંચે પાણી ફેરવી દીધુ છે.જોકે, હજુ પણ ચૂંટણી પંચે વોર્ડ સીમાંકનનો આખરી મુસદ્દો જાહેર કરતા પહેલા રાજકીય પક્ષો સહિતના કોઇની પણ પાસેથી સલાહ સુચનો મંગાવ્યા છે.આ સુચનો આવ્યા બાદ જ આખરી નિર્ણય લેવાશે. જોકે, ધડમૂળથી ફેરફારને લઇને ભાજપમાં થયેલા ભડકા સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બેઠકોની કેટેગરી બદલવા માટે રજુઆતો થઇ રહી છે.
તાલુકા પંચાયતની બેઠકોને પણ મોટો ફટકો પડશે
ચોર્યાસી તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની બેઠકના સભ્યોએ રવિવારે પ્રદેસ પ્રમુખ સી.આર.પાટીલને રજુઆત કરી હતી.જેમાં જણાવ્યું કે,જિલ્લા પંચાયતનું નવું વોર્ડ સીમાંકન કરાયું છે,તેમાં જિલ્લા પંચાયતને જ નહીં પણ મોટાભાગની તાલુકા પંચાયતના સભ્યોની બેઠકોને પણ મોટો ફટકો પડી રહ્યો હોવાથી ભાજપના નેતાઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે.સુત્રોના જણાવ્યા મુજબ નવા વોર્ડ સીમાંકન મુજબ મોટાભાગના રાજકીય નેતાઓની કારર્કિદી પર પાંચ વર્ષ સુધીમાં પૂર્ણ વિરામ મુકાઇ જશે.


