સુરત, તા. 19 માર્ચ 2020, ગુરૂવાર
સુરત એરપોર્ટ આસપાસના એપાર્ટમેન્ટના ફ્લેટ હોલ્ડરોને ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આપવામાં આવેલી નોટીસ અનુસંધાને હિયરીંગ સ્થગિત કરવામાં આવ્યું છે. સુરત જીલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવેલા હિયરિંગમાં ફ્લેટ હોલ્ડરોને ઉપસ્થિત રહેવાની સૂચના એક નોટિસ દ્વારા આપવામાં આવી હતી.
સુરત એરપોર્ટ આસપાસ ઉભા કરવામાં આવેલા એપાર્ટમેન્ટની હાઈટ નિયમ કરતા 1થી લઇને 14.3 મીટર સુધી વધુ હોવાથી ફ્લાઇટના લેન્ડિંગ અને ટેકઓફ વખતે અડચણો ઉભી થતી હોવાને કારણે નિયમ વિરૂદ્ધના બાંધકામને કેમ દૂર નહીં કરવામાં આવે તે બાબતે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને એપાર્ટમેન્ટમાંના ફ્લેટ હોલ્ડરોને નોટીસો ઈસ્યુ કરી હતી.
આ અગાઉ DGCA એ ફ્લેટ હોલ્ડરોને નોટિસ ઇશ્યુ કરીને મુંબઈ હિયરિગમા ઉપસ્થિત રહેવાની સુચના આપી હતી. આ બાબતે ફ્લેટ હોલ્ડરોમા વિરોધનો એક ગણગણાટ હતો. DGCAએ સુરતમાં જ ફ્લેટ હોલ્ડરો માટે હિયરિંગ રાખવું જોઈએ, એવી માંગણી નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ પણ કરવામાં આવી હતી. જોકે, આજરોજ યોજાયેલુ હિયરિંગ કોરોના વાઇરસને કારણે બીજી સૂચના આપવામાં નહીં આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.

