– ધરપકડ નક્કી થતાં વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયો
સુરત : સુરત શહેરના વેસુમાં બનેલી અતુલ વેકરિયાએ દારૂના નશામાં કરેલા અકસ્માતની ઘટનામાં રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે.આ પ્રકરણમાં આરોપી અતુલ વેકરિયાને શોધવા ઉમરા પોલીસ તેના ઘરે ગઈ હતી.જોકે,આશંકા પ્રમાણે જ અતુલ મળી આવ્યો ન હતો.ધરપકડ નક્કી થઈ જતા અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરિયા સામે સાપરાધ મનુષ્ય વધ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમ ઉમેરવામાં આવી હતી. કલમ ઉમેરાના રિપોર્ટને કોર્ટે મંજુરી આપી દીધી હતી.આરોપી વિરુધ્ધ સેશન્સ ટ્રાએબલ ગુનાની કલમ ઉમેરાતા ટ્રાયલ કોર્ટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેને પગલે ઉમરા પોલીસ અતુલ વેકરિયાને શોધવા અતુલના પીપલોદમાં આવેલા ઘરે શોધવા ગઈ હતી પણ અતુલ હાથ લાગ્યો ન હતો.
હાઈ પ્રોફાઈલ કેસ હોવાને લીધે અતુલના અનેક ધમપછાડા બાદ પણ જેલની હવા ખાવાનો વખત આવતા અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.વેસુના સોમેશ્વરા સ્કેવર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી 26મી માર્ચે રાત્રે પોતાની બહેન ઉર્વશીને મોપેડ પર ફ્રેન્કી ખાવા લઈ ગયો હતો. જે દરમિયાન પાર્ક કરેલી મોપેડ પર બેઠેલી 28 વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેકરિયાએ અડફટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
ઉવર્શીને ન્યાય આપવા માટે વિવિધ સોશિયલ મીડિયામાં અભિયાન છેડાયું છે,જેમાં લોકોએ અતુલ વેકરિયાને કડક સજા થાય તેવા પોસ્ટર પણ વહેતા કર્યાં હતાં.બીજી તરફ વેકરિયાની ફરી ધરપકડ થાય તેવી ઉર્વશીના પરિવારની માગ છે.હોળી અગાઉ આરોપી વેકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા.જેમાં એક યુવતી ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજ્યું હતું.પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો.બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો.


