સુરત : જુન મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજના મંડાળ થઇ જતા હોય છે.પરંતુ આ વર્ષે વરસાદ લાવતા નેઋત્યના પવન સક્રિય થયા છે. પરંતુ વરસાદની વિધિવત આગાહી થઇ નથી.તેમ છતા આગામી 10 થી 12 જુન સુધીમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ અતિ હળવાથી હળવા વરસાદની આગાહી થઇ છે.હવામાન કચેરીના પ્રવકતના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૩.૮ ડિગ્રી,લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા,હવાનું દબાણ ૧૦૦૪.૩ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૨ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મિશ્ર હવામાન સાથે સતત દક્ષિણ-પશ્રિમ દિશામાંથી નેઋત્યના પવન ફુંકાઇ રહ્યા છે.હવામાન વિદોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના છે.જેના કારણે તાપમાનમાં આંશિક અંશે ઘટાડાની શકયતા છે.હવામાં ભેજનું વધુ પ્રમાણ જળવાશે.અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૬ થી ૧૮ કિ.મીની ઝડપે પવન ફુંકાશે.આ પવનની ગતિ સાથે જ ૧૦ થી ૧૨ જુન રોજ કેટલાક છુટા છવાયા સ્થળોએ અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે.જો કે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ કેરળમાં ચોમાસુ નબળુ પડયુ હોવાથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૃઆત કયારે થશે તેની જાહેરાત થઇ નથી.પરંતુ હાલ તો આ ત્રણ દિવસ વરસાદની શકયતાઓના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે.