– પાલિકા આગામી દિવસોમાં પશુઓમાં RFID ચીપ લગાવવાની કામગીરી આક્રમક બનાવશે
– હાલમાં ડોર ટુ ડોર સર્વે કરીને વિના મુલ્યે ચીપ લગાવવાની કામગીરી થાય છે 31 માર્ચ બાદ ફરજિયાત ચિપ લગાવી પૈસા પણ વસુલ કરાશે
સુરત,તા.16 જાન્યુઆરી 2023,સોમવાર : ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ માટે વિડિયો કોન્ફરન્સથી ચર્ચા કરીને દરેક પશુઓમાં RFID લગાવી રજીસ્ટ્રેશન માટે સુચના આપી છે.સરકારના આ સુચના બાદ પાલિકા તંત્ર પણ જાગ્યું છે.પાલિકા તંત્રએ પશુપાલકો જોગ એક જાહેર નોટીસ થકી 31 માર્ચ 2023 પહેલા તમામ પશુપાલકોને વિના મુલ્યે ચીપ લગાવવા માટે સૂચના આપી છે 31 માર્ચ બાદ ચીપ મુકવાની કામગીરી ફરજિયાત કરવામાં આવશે અને ત્યાર બાદ જે પૈસા નક્કી કરવામા આવ્યા છે તે પણ વસુલ કરવામાં આવશે તેથી પશુપાલકોને તે પહેલાં ચીપ મુકાવવા માટે પાલિકા તંત્રે અપીલ કરી છે.
સુરત શહેરમાં 54557 ગાય ભેંસ છે તેમાંથી માંડ ત્રણ હજાર જેટલા પશુમાં પાલિકા આર.એફ.આઈ.ડી.ચીપ લગાવી શક્યા છે.આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવામાં આવે તો રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય તેમ છે પરંતુ પશુપાલકો યેનકેન પ્રકારે ચીપ નો વિરોધ કરી રહ્યા છે.જોકે, પાલિકા તંત્ર આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવા માટે મક્કમ છે તેથી 31 માર્ચ 2023 સુધીમાં પશુઓમાં આર.એફ.આઈ.ડી.ચીપ વિના મુલ્યે લગાવવા માટે આયોજન કરી રહી છે.વિના મુલ્યે ચીપ લગાવવાનો સમયગાળો પૂરો થયા બાદ જો કોઈ પશુમાં ચીપ નહી હોય તો પાલિકા આકરો દંડ વસુલ કરવા માટે પ ણ આયોજન કરી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર પર નિયંત્રણ માટે કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ પશુપાલકોના વિરોધ બાદ કાયદો પાછો ખેંચ્યો છે જેના કારણે ફરીથી સુરતમાં રખડતા ઢોરનો ત્રાસ શરૂ થઈ ગયો છે.હવે સુરતના રસ્તા પર રખડતા ઢોર મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે.સુરત પાલિકાએ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે આર.એફ.આઈ.ડી.ચીપ લગાવવાનું શરૂ કર્યું હતું પરંતુ પશુપાલકો તરફથી કોઈ સહયોગ મળતો નથી.જેના કારણે રખડતા ઢોર પકડાય તો તેમાં ચીપ લગાવવાની કામગીરી કરી રહી છે.હાલમાં પાલિાકએ 13 જાન્યુઆરી સુધીમાં સુધીમાં ૨૫૨૫૦ જેટલા જાનવરોમાં RFID ચીપ લગાવી ચુકી છે અને બાકી રહેલાં પશુઓમાં પણ આગામી દિવસોમાં ખાસ અભિયાન કરીને ચીપ લગાવવાની કામગીરી કરશે.
જોકે, સુરત શહેરમાં 23052 ગાય અને 31505 ભેંસ મળીને કુલ 54557 ઢોર છે.આ તમામ ઢોરમાં આર.એફ.આઈ.ડી.ચીપ લાગે તે માટે પાલિકાએ 31 માર્ચ 2023 સુધી ;ચીપ નો કોઈ ચાર્જ નહી લેવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં પાલિકા ચીપ લગાવતી હતી તેના માટે 300 રૂપિયા નો ચાર્જ વસૂલતી હતી તે હવે 31 માર્ચ સુધી ચીપ લગાવવા માટે કોઈ પણ જાતનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.જેના કારણે પાલિકાએ પશુપાલકો જોગ એક જાહેર નોટીસ બહાર પાડીને પશુપાલકોને તેમના પશુઓમાં ચીપ લગાવવાની કામગીરી ઝડપથી કરવામા આવે તે મુજબની અપીલ કરી છે.