સુરત, તા. 21 ફેબ્રુઆરી : પાલિકાની ચૂંટણીમાં મતદાનની પ્રકિયા શરૂ થાય તે પહેલાં જ મોક પોલ રાઉન્ડમાં 22 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બગડતા ચૂંટણી સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને તાત્કાલિક બદલીને ચૂંટણીની કામગીરી શરૂ કરાવી પડી હતી.
પાલિકા ના 60 વોર્ડ અને 120 બેઠકો માટે આજે મતદાનની પ્રકિયા શરૂ થઈ હતી. સવારે 6 વાગ્યે શરૂ થયેલ મોક પોલ રાઉન્ડ દરમ્યાન જ વોર્ડ નં. 5,2,3,7,9,26,24,14,1,13,11,17, 16 માં ઇવીએમમાં ખરાબી આવી હતી. જેમાં ઇવીએમનું બટન ખરાબ થઈ ગયું હતું. કનેક્શનમાં તકલીફ આવતી હતી. કેબલ ખરાબ અને રજીસ્ટર બટન ખરાબ હોવાની ફરિયાદ આવી હતી.
ફરિયાદના પગલે જ ચૂંટણી અધિકારીનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને સવારે સાત વાગ્યે ચૂંટણીની પ્રકિયા શરૂ થાય તે પહેલાં જ ઇવીએમ બદલવામાં આવતા સમયસર મતદાનની પ્રકિયા શરૂ થઈ ગઈ હતી.
22 ઇવીએમમાંથી 20 બેલેટ યુનિટ અને 7 કન્ટ્રોલ યુનિટ બદલવા પડ્યા હતા.


