સુરત : તા.22 મે 2022 રવિવાર : પુણા વિસ્તારમાં રહેતા યુવાનને એસબીઆઇ બેંકનો ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના બહાને ઓટીપી મેળવી લઇ ભેજાબાજે રૂ.2.20 લાખ ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાય છે.
પુણા ગામની મારૂતિધામ સોસાયટીમાં રહેતા અને ફ્લોરીંગ કામ કરતા પ્રીતેશ નવીન મકવાણા(ઉ.વ.31 મૂળ રહે.જામ વંથલી,જિ.જામનગર)પર 1 ડિસેમ્બર 2021 ના રોજ એસબીઆઇ બેંકમાંથી કોલ આવ્યો હતો.કોલ કરનાર સાથે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની વાત કરી મેસેજ કરવા અને ત્યાર બાદ જે ઓટીપી આવે તે મને આપશો એમ કહ્યું હતું.જેથી પ્રીતેશે એક પછી એક આવેલા 8 ઓટીપી કોલ એસબીઆઇ બેંકના નામે કોલ કરનારને આપ્યા હતા.ત્યાર બાદ એક અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો પરંતુ પ્રીતેશને અંગ્રેજી આવડતું નહીં હોવાથી મેસેજ તેના માસીના દીકરા સાહીલ રાઠોડને મોકલાવતા જાણવા મળ્યું હતું કે ક્રેડિટ કાર્ડમાંથી રૂ.2.20 લાખ ટુકડે-ટુકડે હાઉસીંગ.કોમ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.જેથી પ્રીતેશે આ અંગે પોલીસમાં અરજી કરી હતી.જેના આધારે પુણા પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


