– ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
– સુરત મહાનગર પાલિકામાં લાંબા સમયથી સમાવાયેલા ગ્રામ્ય વિસ્તારોને સુરત પોલીસમાં સમાવવા માંગ
સુરત: સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા ઓલપાડ અને કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પોલીસ વિભાગને સુરત પોલીસ વિભાગમાં સમાવેશ કરવા માંગણી ઉઠી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.
દર્શન નાયકે આજે મુખ્યમંત્રીને પત્ર લખી એવી માંગણી કરી છે કે, ઓલપાડ-કામરેજ તાલુકાના વેલંજા,ઉમરા,ગોથાણ,વસવારી,સેગવા,કઠોળ સહિતના ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારના સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યોને ઘણો સમય પસાર થઇ ગયો છે.આ વિસ્તારમાં અંદાજે બે લાખથી વધુની વસ્તી આવેલી છે.આ વિસ્તારમાંથી આવનાર સમયમાં રીંગરોડ પણ પસાર થવાનો છે.તથા આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને મોટા પ્રમાણમાં રેસિડેન્ટ વિસ્તાર આવેલો હોવાથી વસ્તી વધવાની સંભાવના છે.આ વિસ્તાર શહેરી અને હાઇવેથી જોડાયેલો વિસ્તાર છે,જેને કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં સ્ટાફ,સાધનો અને અન્ય મહેકમની વ્યવસ્થા અલગ હોવી જોઈએ એવું લોકોનું માનવું છે.
આ વિસ્તારમાં ગ્રામ્ય આઉટ પોસ્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવામાં આવે છે પરંતુ ગ્રામ્ય પોલીસ વિભાગમાં મહેકમની અછત હોવાને કારણે આ ગ્રામ્ય વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે.આ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી-લૂંટફાટ,અકસ્માતના બનાવો વધતા જાય છે તેમજ ટ્રાફિક વ્યવસ્થા પણ યોગ્ય સંકલન નહીં થવાના કારણે ખોરવાયેલી રહે છે.
દર્શન નાયકે માંગણી કરી છે કે સુરત મહાનગરપાલિકામાં સમાવેશ વેલંજા,ઉમરા,ગોથાણ,વસવારી,સેગવા સહિતના ગ્રામ્ય વિસ્તારની આઉટ પોસ્ટ પોલીસ ચોંકીને શહેરી વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવે અથવા તો અલગ પોલીસ સ્ટેશન બનાવી આ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે અને પોલીસ કમિશ્નરના તાબા હેઠળ આ ગામો આવે તેવી કાર્યવાહી લોકહિતમાં થવી જોઈએ.