– રેસ્ટોરન્ટ માલિકની હાલત ગંભીર : કારીગરને કાબુમાં લેતી વેળા અન્ય કારીગરને પણ ઇજા
સુરત,તા,28 મે : સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ રઘુવીર સીમ્ફોની ખાતેની ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતો કારીગર ગત બપોરે ચીઝ લાવવા બાબતે ઠપકો આપનાર રેસ્ટોરન્ટના માલિકને ચોપરના ઉપરાછાપરી ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં કારીગરને કાબુમાં લેતી વેળા અન્ય કારીગરને પણ ઇજા થઈ હતી. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રેસ્ટોરન્ટ માલિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિટીલાઇટ અગ્રસેન ભવનની ઉપર રોયલ કેટલ ફ્લેટ નં.બી/1003 માં રહેતા યોગેશભાઇ ભોજવાણી અલથાણ ભીમરાડ કેનાલ રોડ રઘુવીર સીમ્ફોની દુકાન નં.જી-5 માં ચાટ-ચટોરે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચલાવે છે.તેમને ત્યાં ચાર કારીગર સુરેન્દર શાહ,મોનુ જસુદ,સુલેન્દર અને કમલ ચૌધરી કામ કરે છે.ગત બપોરે 2.30 વાગ્યાના અરસામાં રેસ્ટોરન્ટમાં ચીઝ ખૂટી જતા યોગેશભાઈએ ચીઝ અંગેની જવાબદારી કમલની હોય તેને ચીઝ લાવવા બાબતે ઠપકો આપ્યો હતો.આથી કમલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી હાથમાં રહેલ શાકભાજી તથા બ્રેડ કાપવાના ધારદાર ચોપર વડે યોગેશભાઈને ઉપરાછાપરી ઘા મારતા તેમને માથામાં,પગમાં,હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયા હતા.ત્યાં હાજર અન્ય કારીગરોએ યોગેશભાઈને બચાવવા પ્રયાસ કર્યો હતો.તે પૈકી સુરેન્દર શાહે કમલને પકડી રાખી જેમતેમ કરી તેના હાથમાંથી ચોપર છોડાવી નીચે પાડી દીધું હતું.તે સમયે અન્ય કારીગર મોનુને હાથમાં ઇજા થઈ હતી. કમલ કારીગરોની પકડમાંથી છૂટી ભાગી ગયો હતો.બનાવ અંગે મોનુએ યોગેશભાઈના શિક્ષીકા પત્ની સોનમબેનને જાણ કરતા તે દોડી આવ્યા હતા અને યોગેશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ઓપરેશન હાથ ધરાયું હતું. હાલ યોગેશભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે ખટોદરા પોલીસે સોનમબેનની ફરિયાદના આધારે કમલ ચૌધરી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


