કોન્ટ્રાકટર પાસે ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનના બિલના રૂ.10.60 લાખના પેમેન્ટના બદલામાં રૂ.71,000ની લાંચ મહિલા તલાટી કમ મંત્રીએ માંગી હતી : મહિલા તલાટી ફરાર
સુરત, તા. 19 માર્ચ 2020 ગુરૂવાર
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામમાં ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનું કામ કરનાર સુરતના કોન્ટ્રાક્ટર પાસેથી બિલના રૂ.10.60 લાખના પેમેન્ટના બદલામાં રૂ.71,000ની લાંચ માંગનાર મહિલા તલાટી કમ મંત્રી વતી રૂ.71,000ની લાંચ લેતા યુવાનને ગતરાત્રે એસીબીએ ઝડપી લીધો હતો. મહિલા તલાટી કમ મંત્રી ફરાર થઇ ગઈ હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.
એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં રહેતા એક કોન્ટ્રાકટરે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામમાં ગ્રામપંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનું કામ ઓગષ્ટ 2019માં પૂર્ણ કર્યું હતું. કામ પૂર્ણ થયા બાદ બિલના રૂ.10.60 લાખ પૈકી કોન્ટ્રાકટરને રૂ.9 લાખ ગ્રામ પંચાયતમાંથી ચુકવવામાં આવ્યા હતા અને રૂ.1.60 લાખ લેવાના બાકી હતા.
કોન્ટ્રાક્ટરને મળી ગયેલ રકમ તથા બાકી રકમના ચેક આપવા માટે સીમાડી ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીએ રૂ.71,000 ની લાંચની માંગણી કરી હતી. લાંચ નહીં આપવા માંગતા કોન્ટ્રાકટરે નવસારી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા તેના આધારે ગતરોજ રાત્રે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છટકા દરમ્યાન મહિલા તલાટી કમ મંત્રી ધારાબેન ગોબરભાઇ ઠેસીયા (રહે. એ- 11, અશ્વિન સોસાયટી વિભાગ- 1, ધરમનગર રોડ, હિરાબાગ સર્કલ, સુરત) એ કોન્ટ્રાકટર સાથે મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને તે લાંચની રકમ રૂ. 71,000 તેમના પરિચિત કિશન મહેશભાઇ લાખાણી (રહે. જી-501, સાંકૃત રેસીડેન્સી, વજ્રચોક રોડ, સરથાણા જકાતનાકા, સુરત)ને આપવા કહ્યું હતું.
સરથાણા તક્ષશિલા આર્કેડ ગણેશ ડેરી એન્ડ સ્વીટ દુકાનની સામે ગોઠવાયેલા છટકામાં કિશન લાખાણીએ મહિલા તલાટી કમ મંત્રી સાથે વાત થયા બાદ લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો.
એસીબીએ આ અંગે મહિલા તલાટી કમ મંત્રી ધારાબેન ગોબરભાઇ ઠેસીયા અને તેમના વતી લાંચ સ્વીકારનાર કિશન મહેશભાઇ લાખાણી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા તલાટી કમ મંત્રી ફરાર થઇ ગઈ હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.


