સુરત : શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે.નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.બાળકી ઘરમાં એકલી હતી અને માતા પાણી ભરવા ગઈ હતી ત્યારે તેના સાવકા પિતાએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ અંગે બાળકીની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ અને (POCSO) પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
કોરોના વાયરસને લઇને લૉકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં ગુનાખોરી વધી રહી છે.શહેરના ડુમસ પોલીસ મથકે એક એવી ફરિયાદ નોંધવામાં આવી છે, જે વિશે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી.ડુમસ ખાતે આવેલા મૂળ વતન ઝારખંડના વતની એવા એક નરાધમે પોતાની નવ વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે.
આઠમી જૂનના રોજ બનેલા આ બનાવમાં બાળકીની માતા નિત્યક્રમ પ્રમાણે સાંજના છ વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમિયાન તેમની કોલોનીમાં પાણી ભરવા માટે ગઈ હતી.આ દરમિયાન નવ વર્ષની દીકરી ઘરે એકલી હતી.જેથી આરોપીએ એકલતાનો ગેરલાભ લઈને બાળકી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.આ અંગેની જાણ બાળકીની માતાને થતાં તેણે બાળકીની પૂછપરછ કરી હતી.બાળકીએ માતાને જાણકારી આપી હતી કે એકાદ વર્ષ પહેલા પણ તેના પિતાએ ત્રણેક વખત આ રીતે જબરદસ્તીથી સંબંધ બાંધ્યો હતો.
જે બાદમાં માતાએ હિંમત એકઠી કરીને આરોપી વિરુદ્ધ ડુમસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીને મેડિકલ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.મેડિકલ તપાસમાં માસૂમ બાળકીના ગુપ્તભાગે ઇજાના નિશાન મળી આવ્યાં છે.સોમવારની સાંજે બનેલી ઘટના બાદ પોલીસ માસૂમને વહેલી સવારે તબીબી પરીક્ષણ માટે લઈ આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.


