સુરત : સુરતમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બુટલેગરના પુત્ર પર મધરાત્રે હૂમલો થતાં વાતાવરણ તંગ બની ગયું છે.અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હૂમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ લાલગેટ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોઝ પર જૂની અદાવતમાં તલવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.આ ફૂટેજમાં જોઈ શકાય છે કે, હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યાં હોય તેવું જોઈ શકાય છે.
આ હુમલા અંગે અન્સારી અહેજાજે જણાવ્યું કે, જૂની અદાવતમાં હૂમલો કરાયો છે.મોસીન કાલિયા વિરુદ્ધ મેં લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી.આ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી.જેની અદાવતમાં આ હુમલો કરાયો છે.મોસીન કાલિયો 16 પેટી દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે અને જાહેરમાં દારૂનો વેપલો અને હુમલાઓ કરી પોતાની ધાક ઉભો કરી રહ્યો છે.આ હુમલામાં બરકતભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ હુમલા અંગે DCPએ જણાવ્યું કે, હાલ હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.રામપુરા વિસ્તારમાં કેટલાક હુમલાખોરોએ બે યુવકો પર તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો છે.ફરિયાદીની પૂછપરછમાં હાલ ફાયરિંગની કોઈ ઘટના સામે આવી નથી અને હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.


