સુરતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 500ને પાર કરી ચુકી છે ત્યારે કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહેલા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મીઓ પણ કોરોનાનો ભોગ બની રહયાં છે.સુરતના લિંબાયતના પોલીસ હેડ કોન્સટેબલનો રીપોર્ટ પોઝીટીવ આવતાં પોલીસબેડામાં હલચલ મચી ગઇ છે.
સુરત શહેરમાં એક બાદ એક જુદા જુદા સરકારી વિભાગોના કર્મચારીઓના કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટીવ આવી રહયાં છે.હવે શહેરના લીંબાયત પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજય પાટીલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.લિંબાયત વિસ્તારમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ નોંધાયાં છે.પોલીસ વિભાગમાં કોરોનાએ દોડધામ મચાવી છે ત્યારે બીજી તરફ રેલવે પાર્સલ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકીનો કોરોનાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.લોક ડાઉનના કારણે ટ્રેનો ભલે બંધ હોય પરંતુ પાર્સલ વિભાગની અને ગુડસ ટ્રેનો ચાલુ હતી રેલવે કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા રેલવે કર્મચારીઓ માં ભય ફેલાયો છે.
આ અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં કેસબારીના ઓપરેટર પણ કોરોનાની ઝપેટમાં આવી ચુકયો છે.હાલ સુરત શહેરમાં 513 અને જિલ્લામાં 21 મળી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 534 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં 17 લોકોના મોત પણ થઇ ચુકયાં છે.


