સુરત, તા. 28 : એક સપ્તાહ માટે વેપાર-ધંધા બંધ રાખવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ વેપારી આલમમાં થોડોક કચવાટ રહ્યો હતો.વેપારીઓની ફરિયાદ એ હતી કે બેંક અને પેન્ડિંગ કામો એકાએક બંધ કરવાના નિર્ણયથી થઈ શકે એમ નથી. આથી આજે સવારે વેપારીઓએ પોતપોતાની દુકાનો એક કલાક માટે ખોલવા દેવાની છૂટછાટ આપવામાં આવી છે.
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે તો આજથી સંપૂર્ણ વેપાર-ધંધા એક સપ્તાહ માટે બંધ થઈ ગયા છે પરંતુ રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં આજે સવારે વેપારીઓ અને લેબર-કારીગરોની અવરજવર રોજિંદી જેવી જ હતી.વેપારીઓએ સવારે દુકાન ખોલી હતી અને પોતાના બાકી રહેલાં કામો પતાવવાનું શરૂ કર્યું હતું.
એક સપ્તાહ માટે લોક ડાઉન જાહેર કરવાના રાજ્ય સરકારના નિર્ણયને મુદ્દે વેપારીઓએ ગઈકાલે મોડી સાંજ પછી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.વેપારીઓને બેંક અને અન્ય પેન્ડીગ કામ પતાવવા માટે સમય આપવામાં આવવો જોઈએ,એવો ગણગણાટ વ્યક્ત થતાં પ્રશાસન તરફથી કામકાજ માટેની છૂટ મેળવવામાં આવી હતી,એમ સૂત્રોએ જણાવ્યું હતું.


