। સુરત ।
સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડની વૃદ્ધાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ગણતરીના કલાકોમાં મોત નીપજ્યું હતું. જ્યારે કોરોના વાઈરસના નવા ત્રણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઇ છે. તો બીજી તરફ સેલવાસના નરોલી વિસ્તારના એક યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે.
સુરતના પાલનપુર કેનાલ રોડ રાજ કોર્નર પાસેના નક્ષત્ર પ્લેટિનિયમમાં રહેતા રજનીબેન મનોહરભાઈ લીલાણી (ઉં.વ. ૬૧)ને શુક્રવારે શરદી-ખાંસી અને કફની તકલીફ સાથે મિશન હોસ્પિટલમાં ખસેડતા કોરોના શનિવારે સાંજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે, રજનીબેનને કોરોના હોવાનું ડિટેક્ટ થયા બાદ ગણતરીના કલાકોમાં મોડી રાત્રે તેમનું મોત થયું હતું. રજનીબેનના પતિ, બે પુત્ર, પુત્રવધૂ અને બે પૌત્રી તથા એક પૌત્રને ક્વોરન્ટાઈન કરાયા છે. પાલિકા દ્વારા ગાઈડલાઈન મુજબ મૃતકના અંતિમસંસ્કાર કરાયા હતા.
શાકભાજી લેવા બહાર નીકળતા વૃદ્વને કોરોના પોઝિટિવ !
શહેરમાં રવિવારે કોરોના વાઈરસના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેગમપુરા, હાથી ફળિયામાં રહેતા રમેશચંદ્ર રાણા (ઉં.વ. ૬૫)નો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રમેશચંદ્ર રાણાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ તેઓ ઘરની બહાર ફક્ત શાકભાજી લેવા જ નીકળતા હતા. જેથી તેઓ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો શિકાર બન્યાની શક્યતા છે. તેમના પરિવારના ૧૧ વ્યક્તિને ક્વોરન્ટાઈન કરાયા છે.
અડાજણનો વેપારી કોરોનામાં સપડાયો
અડાજણ પાટિયા સ્થિત સિદ્દિકી સ્ક્વેરમાં રહેતા વેપારી અબ્દુલ વાહીદ કુરેશી (ઉં.વ.૫૦)ને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મીશન હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રવિવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. વેપારીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેઓ પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનને લીધે કોરોનામાં સપડાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે. વેપારીના ચાર કર્મચારી અને પરિવારના સભ્યો મળી ૧૮ વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરાયા છે.
ડી-માર્ટના કર્મચારીની માતાને કોરોના પોઝિટિવ આવ્યો
અલથાણ સ્થિત ડી માર્ટમાં નોકરી કરતા અને બમરોલી રોડ હરિધામ સોસાયટી રહેતા મંગેશ વિઠ્ઠલ વનારેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારને ક્વોરન્ટાઈન કરાયું હતું. મંગેશના માતા-પિતા અને દાદી તથા ભાઈના સેમ્પલ લેવાયા તેમાં માતા સત્યભામા વિઠ્ઠલ વનારે (ઉં.વ. ૪૦)નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.