– વિપક્ષના કોર્પોરેટરો કોરોના અટકાવવા લોક જાગૃત્તિ માટેના સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ,ભાજપ નેતાના સત્કાર માટે સોશ્યલ ડિસ્ટન્સ કોરણે મુક્યું
સુરત, તા. 27 જુલાઈ 2020 સોમવાર
કોરોના સામે લડાઈ લડી રહેલા સુરતને કપરા કાળમાં રાજકારણીઓના બે અલગ અલગ ચહેરા જોવા મળી રહ્યાં છે.ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણુંક બાદ સુરતમાં કોવડની તમામ ગાઈડ લાઈનનો ભંગ કરીને પ્રસિધ્ધિના કાર્યક્રમ થઈ રહ્યાં છે.જ્યારે સામે પક્ષે વિપક્ષ કોંગ્રેસના કેટલાક કોર્પોરેટર- નેતાઓ તેમના વિસ્તારમાં પ્લાઝમા ડોનેટ, માસ્ક માટે સોશ્યલ ડિસ્ટન્સ સાથે જાગૃત્તિ કરી રહ્યાં છે.
સુરતમાં શાસક પક્ષ ભાજપના નેતાઓ સોશ્યલ ડિસ્ટન્સ અને કાયદાને નેવે મુકીને ફોટો સેશન કરાવી રહ્યાં છે.જ્યારે બીજી તરફ પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા લોક જાગૃતતિ માટે થતાં કાર્યક્રમ સુરતીઓ જોઈ રહ્યાં છે.
સુરતમાં કોરોનાના કારણે બાર હજારથી વધુ કેસ અને 545 જેટલા મોત હોવા છતાં ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી બાદ 30 કિમોમીટર લાંબી વાહન રેલી કાઢવા માટેની તૈયારી કરી હતી.પાટીદાર વિસ્તારમાં ભાજપની રેલીનો વિરોધ અને રાષ્ટ્રીય નેતાઓની સુચનાના કારણે આ રેલી નહીં કાઢવાની ફરજ પડી હતી. જોકે, રેલી માટે હજારોની સંખ્યામાં કાર્યકરો સોશ્યલ ડિસ્ટન્સ વિના ભેગા થયાં હતા તેનાથી સંક્રમણ ફેલાયું હોવાની ભીતી છે.
શુક્રવારની રેલી ન નિકળી તો સુરત ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈને બેઠક કરી એટલું જ નહીં પરંતુ સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવીને ફોટો સેશન પણ કરાવ્યું હતું.સુરતમાં કોવિડની ગાઈડ લાઈન અને 144ની કલમ હોવા છતાં ભાજપના નેતા અને કાર્યકરોના પ્રસિદ્ધિ માટેના કાર્યક્રમમાં કોઈ ફેર પડયો નથી. તો બીજી તરફ પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓ દ્વારા કોરોના સમયથી લોક જાગૃત્તિના કામો સોશ્યસલ ડિસ્ટન્સ માટે થઈ રહ્યાં છે.હાલમાં કોરોનાના દર્દીઓને પ્લાઝમા થેરાપી કારગત નિવડી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકર કોરોનાથી મુક્ત થતાં તેઓએ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. તો સારા થેલા અન્ય દર્દીઓ પ્લાઝમા ડોનેટ કેવી રીતે કરી શકે તે માટે પુણા વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે એક બેઠક રાખી હતી.આ પહેલાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગના કર્મચારીઓને તેમના વિસ્તારમાં ધન્વંતરી રથ, રેપીડ ટેસ્ટ તથા પોઝીટીવ લોકોને હોમ કોરોન્ટાઈન કરવા અને તેમને સુવિધા પહોંચાડવા જેવા કામો કરવામા આવ્યા હતા.
વરાછા વિસ્તારના હીરાના કારીગરની કફોડી હાલત,શાક ભાજી વેચાણ કરતાં ફરિયાનું ફરજ્યાત થર્મલ ચેકીંગ,માસ્ક અને ગ્લોઝનો ઉપયોગ કરવા જેવા લોક જાગૃત્તિના કામો પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવ્યા હતાઆવા પ્રકારના કામ ભાજપના પણ કેટલાક નેતાઓએ કર્યા છે પરંતુ તેના કરતાં વધુ નેતાઓએ તાયફા કરીને ભીડ ભેગી કરી છે. આમ કોરોનાની મહામારીમાં સુરતીઓએ રાજકારણીઓના બે અલગ અલગ ચહેરા જોયા છે.પરંતુ સત્તા આગળ શાણપણ નકામું તેમ ભાજપના નેતાઓ જાહેરમાં કાયદા અને નિયમનો ભંગ કરતાં હોવા છતાં તંત્ર મુક પ્રેક્ષક બની રહ્યું છે.
ભાજપ જેવી ભુલ હાર્દિકના સુરત મુલાકાત વખતે થાય તેવી અટકળ
કોરોનાગ્રસ્ત સુરતમાં ભાજપના નેતાઓના સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ અને પ્રસિધ્ધિ માટે ફોટો સેશન અને રેલી જેવી ભુલ આગામી દિવસોમાં કોંગ્રેસ કરી શકે છે તેવી શક્યતા પ્રબળ છે. પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ આગામી દિવસોમાં સુરત આવી રહ્યાં છે.
હાર્દિક પટેલ હાલ વડોદરામાં જે રીતે ભીડ ભેગી કરી હતી તેવી જ રીતે સુરતમાં પણ ભીડ ભેગી કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. અત્યાર સુધી કોંગ્રેસે પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે લોક જાગૃત્તિના કામો કર્યા છે પરંતુ તેમના નેતા આવે ત્યારે આ સોશ્યલ ડિસ્ટન્સ ભુલાશે તેવી અટકળ થઈ રહી છે.
રાજકીય કાર્યક્રમો પર તંત્રની રહેમ નજરઃ લોકોને દંડ
સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ બદલ અનેક દુકાનો બંધ કરાવી ચુકી છે અને લાખો રૂપિયાનો દંડ પણ વસુલ કરી ચુકી છે. પરંતુ જ્યારે ભાજપ હોય કે કોંગ્રેસ રાજકીય કાર્યક્રમની વાત આવે ત્યારે પોલીસ અને પાલિકા તંત્ર વામણુંબની જાય છે.
હાલમાં જ સરથાણા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમમાં 100 જેટલા લોકો ભેગા થયાં હતા તેમાં પોલીસ કેસ અને ધરપકડ પણ થઈ હતી. પરંતુ ભાજપ કાર્યાલય ખાતે સેંકડોની હાજરીમાં ફોટો સેશન થયું અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયો અને આ ફોટા સોશ્યલ મિડિયા પર વાઈરલ પણ થયાં છે તેમ છતાં પોલીસ અને પાલિકા તંત્રએ કોઈ કામગીરી કરી નથી.
જો સામાન્ય દુકાનદાર કે ધાર્મિક સંસ્થા નિયમનો ભંગ કરે તો દંડનીય કાર્યવાહી પણ રાજકારણી આવા નિયમનો જાહેરમાં ભંગ કરે તો કોઈ પગલાં નહી. પોલીસ અને મ્યુનિ. તંત્રના સોશ્યલ ડિસ્ટન્સના ભંગ માટેના બેવડા ધોરણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.