કોવિડ-19 હોસ્પિટલમાં ડયૂટી કરનારા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો માટે એસવીએનઆઈટીની હોસ્ટેલમાં ફાળવાયેલી રૂમોની ચેકિંગ દરમિયાન સિવિલનો મેડિકલ ઓફિસર એક યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.આ મામલે સિવિલના તબીબી અધિક્ષકના કાને વાત પહોંચતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે ઉદેશ્યથી કોવિડ હોસ્પિટલમાં ડયૂટી કરનારા ડોક્ટર,નર્સેસ સહિતના સ્ટાફ માટે તેમની નોકરીના સમય દરમિયાન રહેવાની અલાયદી વ્યવસ્થા કરાય છે. સિવિલ સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો માટે પણ એસવીએનઆઈટીની હોસ્ટેલમાં વ્યવસ્થા કરાઈ છે.
અહીંની જવાબદારી સંભાળતા સિવિલના એનોટોમી વિભાગના ડો. વિપુલ પટેલ બે દિવસ અગાઉ રૃમો ચેક કરી રહ્યાં હતા,ત્યારે એક રૃમમાં શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવી હતી.જેને ગંભીરતાપૂર્વક લઈ તેમને તપાસ કરતા જે બે ઇન્ટર્ન ડોક્ટરોના નામે આ રૂમ હતી,તેની જગ્યાએ સિવિલનો મેડિકલ ઓફિસર એક યુવતી સાથે રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.જેનો મેડિકલ ઓફિસર કોઈ ખુલાસો કરી શક્યો નહોતો.જેને પગલે ડો. વિપુલ પટેલે તબીબી અધિક્ષક ડો. રાગીણી વર્માને આખા મામલાથી વાકેફ કર્યા હતા.
કોરોના કાળ દરમિયાન આ મેડિકલ ઓફિસર કોન્ટ્રાક્ટ હેઠળ સિવિલમાં જોડાયો છે.પોતાના રંગીન સ્વભાવને લઈ ઓળખાતો આ મેડિકલ ઓફિસર હાલ ઉક્ત કિસ્સાને લઈ સિવિલમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ મેડિકલ ઓફિસર આખી રાત રૂમમાં યુવતી સાથે રોકાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.પોતાની સાથે પકડાયેલી યુવતી તેની ફિયાન્સી હોવાનો બચાવ ડોક્ટરે કર્યો છે અને તબીબી અધિક્ષક સમક્ષ કાગળ પર માફી પણ લખી આપી છે.જોકે,સિવિલના તબીબી અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
આ અંગે સિવિલના તબીબી અધિક્ષક ડો.રાગિણી વર્માએ જણાવ્યું હતું કે,આ પ્રકારની ફરિયાદ મારા સુધી આવી છે.જેને લઈ ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી ડો. મહેશકુમાર વાઢેલ સાથે ચર્ચા કરાઈ છે.ઇન્ટર્ન ડોક્ટરની રૃમમાં યુવતી સાથે રોકાયેલા ડોક્ટર વિરુદ્ધની કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે.


