– સ્વયંસેવકો PPE કીટ પહેરીને દર્દીઓને જમવાનું પહોંચાડે છે
સુરત : સુરતમાં કોરોના સંક્રમણે કાળો કેર વર્તાવ્યો છે. રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ સતત વધી રહ્યાં છે.જેના કારણે સ્ટાફની પણ અછત વર્તાવા લાગી છે.શહેરની આ સ્થિતિને જોતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવા કાર્યમાં જોડાવાનું શરૂ કર્યું છે.સ્વયંસેવકો પીપીઈ કીટ પહેરીને દર્દીઓને જમવાનું પહોંચાડવાથી લઈને મેડિકલ સ્ટાફને પણ મદદરૂપ થઈ રહ્યાં છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાફની અછત હોવાની વાતો વહેતી થઇ છે.ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓને બે ટાઇમ નાસ્તો અને જમવાનું પહોંચાડવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવી રહી છે.સ્વયંસેવકો સવારથી લઇને સાંજ સુધી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને દર્દીઓને જમવાનું પહોંચાડી રહ્યા છે.કોરોના સંક્રમિત દર્દી હોવાથી સ્વયંસેવકો PPE કીટ પહેરીને જ દરેક વોર્ડમાં દર્દીઓ પાસે જઈ રહ્યા છે.જેથી કરીને તેઓ પોતાનું પણ રક્ષણ કરી શકે. બજરંગ દળ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હવે સિવિલ હોસ્પિટલમાં સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
આજે સુરત શહેરની સ્થિતિ એટલા હદે વિકટ છે કે,દર્દીને સારવાર આપવા માટેના સાધનો પણ ખૂટી ગયા છે, સ્ટાફની પણ અછત પડી રહી છે.એવા સમયે સતત સામાજિક સેવા સાથે જોડાયેલી સંસ્થાઓ મદદે આવી છે.આવા કપરા સંકટના સમયમાં પોતાની રીતે શહેરને થાય એ રીતે મદદરૂપ થવ આગળ આવી રહ્યાં છે.સામાજિક સંસ્થાઓ આગળ આવીને કોરોના સિવિલ હોસ્પિટલના દર્દી હોય કે પછી તાત્કાલિક આઇસોલેશન વોર્ડ ઊભા કરીને દર્દીઓને બને એટલી મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં ચાલી રહેલી વિકટ પરિસ્થિતિમાં RSS બાદ બંજરંગ દળ અને હવે વીએચપી પણ સેવા કાર્યમાં જોડાઈ છે.જયારે શહેર અને જિલ્લાના સ્મશાનગૃહોમાં વ્યવસ્થા ઓછી હોવાના કારણે ત્યાં કોરોના દર્દીઓની બોડીઓનું વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકર્તા તેમજ આગેવાનો દ્વારા અંતિમ સંસ્કાર વિધિમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.વિશ્વ હિન્દુ પરીષદના 50 કરતા વધુ કાર્યકર્તાઓએ ઉમરા સ્મશાન ભૂમિ ખાતે જવાબદારી સંભાળી છે.ઉમરા સ્માશન ભૂમિ તાપી નદીના કિનારા પાછળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તન મનથી સેવા કાર્ય કરી રહ્યા છે.અગાઉ મંગળવારે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા એક મિટિંગ યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ સ્માશન ગૃહો ખાતે અલગ અલગ ટીમ બનાવી કાર્યકર્તા કોરોના દર્દીઓના મૃતદેહને અગ્નિદાહ આપવાના કાર્યમાં જોતરાયા છે.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદના વિક્રમસિંહ શેખાવત,જિલ્લા વીએચપી ઉપાધ્યક્ષ કેપ્ટન બિપિન પિલ્લાઈ,એડવોકેટ નીકલંઠ બારોટ,સહમંત્રી સંજય બંસલ,સંજય માથુર,જિલ્લા મંત્રી ચંદ્રકાન્ત શર્મા,મીડિયા ટીમના અતુલ મોહોતા પણ ઉપસ્થિત રહ્યા હતા.