સુરત,તા.21 સપ્ટેમ્બર 2022,બુધવાર : ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે માલધારી મહાપંચાયતે દૂધ વેચાણ બંધનું આપેલ એલાન વચ્ચે સુમુલ ડેરી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મળસ્કે ૨ વાગ્યાથી ૧૯૫ વાહનોમાં શહેર ના ખૂણે ખૂણે ૧૩ લાખ લીટર કરતા વધુ દૂધ સપ્લાય કર્યું છે
સુરત શહેરમાં મંગળવારની રાત્રી થી જ દૂધ મળશે નહિ તેમ માનીને શહેરીજનોએ દૂધ લેવા માટે લાઇન લગાવી દીધી હતી.તો બીજી તરફ સુમુલના કેટલાક વાહનોને નુકસાન પહોંચાડતા સાવધાન થઈ ગયા હતા.જિલ્લા કલેક્ટર આયુષ ઓકેને રજૂઆત કરતા પોલીસ કમિશ્નર અને એસ.પી ને. પોલીસ બંદોબસ્ત સાથે દૂધ વિતરણ કરવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.દરમ્યાન સુમુલ દ્વારા દરરોજ મળશ્કે બે વાગ્યા થી સુરત શહેરમાં દૂધ સપ્લાય થાય છે.આથી રાત્રી થી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.સુમુલ દ્વારા દરરોજ ૧૯૫ થી વધુ વાહનોમાં સુરત શહેરના દરેક ખૂણે દૂધ સપ્લાય થાય છે.રાત્રી થી જ દરેક ૧૯૫ દૂધ વાહનો સાથે એક પોલીસ જીપ પાયલોટીંગ સાથે રવાના કરાઈ હતી.સુમુલના અધિકારી મનીષ ભટ્ટના જણાવ્યા મુજબ આજે ૧૩ લાખ લીટર થી વધુ દૂધનું વિતરણ થયું છે.મારી ૧૯૫ ગાડીમાં સુરત શહેરના દરેક વિસ્તારમાં આવેલા ૩૫૦૦ આઉટલેટ માંથી ૨૮૦૦ માં દૂધ વિતરણ થયું હતું.કોઈ જગ્યા એ તોડફોડ થવાના બનાવ બન્યા નથી.સુમુલ દ્વારા પોલીસ અધિકારીઓના સહયોગથી સારી રીતે દૂધ દરેક વિસ્તારમાં પહોચ્યું છે.અને હવે બપોરે જનારી ગાડી માટે પણ પોલીસ બંદોબસ્ત આવી ગયો છે.

