સુરત, 3 જાન્યુઆરી : સમગ્ર દેશમાં વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતી ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ એ આગામી દિવસોમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ગુજરાતમાં ઝુકાવી કોંગ્રેસ અને બીજેપીને હરાવી વિજયી થવાનો હુંકાર ભર્યો છે.રવિવારે સુરતના સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પક્ષના અગ્રણીઓએ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પત્રકાર પરિષદમાં પક્ષના અગ્રણી ઇમ્તિયાઝે જણાવ્યું હતું કે તેઓનો પક્ષ તમામ જાતિ-ધર્મથી પર છે અને તમામ લોકો એમાં જોડાઈ શકે છે.કોંગ્રેસ અને બીજેપીએ અમારા પક્ષને ખોટી રીતે બદનામ કર્યો છે.ઓરગાબાદમાં અમારા પક્ષના 6 ચૂંટાયેલા નગરસેવકો બિન મુસ્લિમ છે.હા અમે મુસ્લિમોના પ્રશ્નો જરૂર ઉઠાવીએ છીએ. કારણકે,અત્યાર સુધી આ સમાજનો ઉપયોગ જ કરવામાં આવ્યો છે.ગુજરાતની આગામી ચૂંટણી માટે અમે બીટીએસ સાથે ગઠબંધન કર્યું છે અને પુરી તાકાત સાથે ચૂંટણી લડીશું.લોકશાહીમાં દરેક પક્ષને દેશના કોઈ પણ ભાગમાં ચૂંટણી લડવાનો હક છે.અમે દરેક સમાજની સેવા સેવા કરવા માંગીએ છીએ.જોકે,આ પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીને પીએમ તરીકે ન સ્વીકારવાના ઓવૈસીના નિવેદનો અને વિવાદાસ્પદ નિવેદનો અંગેના જવાબો તેમણે સિફતપૂર્વક ટાળી દીધા હતા.વળી,પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઉશ્કેરણીજનક બોલવા માટે જાણીતા એવા વારીસ પઠાણ સમગ્ર પત્રકાર પરિષદ દરમ્યાન હસતા મોઢે ચૂપ જ રહ્યા હતા અને એક પણ સવાલનો કોઈ ઉત્તર પણ આપ્યો ન હતો.


