સુરત : હજીરા પોર્ટ પર ડીઆરઆઇએ ઝડપી પાડેલા ખારેકનો જથ્થો છોડાવવા માટે ડીસી ઇન્ટરનેશનલના સંચાલકો આગળ આવે તેવી શક્યતા બહુ ઓછી છે.કારણ કે પાકિસ્તાનની મંગાવેલી ખારેકની કિંમત 42 લાખની આસપાસ થાય છે,જેની સામે ડીઆરઆઇએ 83 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.જો આ દંડ ભરપાઇ કરવામાં આવે તો ખારેકની કિંમત ત્રણ ગણી થઇ જાય તેમ હોવાથી આગામી દિવસોમાં ખારેકના જથ્થાને વેચીને તેના થકી દંડની વસૂલાત કરવાની સ્થિતિ સર્જાઇ શકે તેમ હોવાની વિગતો જાણવા મળી છે.
ડીસી ઇન્ટરનેશનલના સંચાલકોએ પાકિસ્તાનથી 198 મેટ્રિક ટન ખારેકનો જથ્થો હજીરા પોર્ટ પર મંગાવ્યો હતો.જેની જાણ ડીઆરઆઇને થતા ખારેકના જથ્થાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ પ્રકરણમાં એવી હકીકત બહાર આવી છે કે પાકિસ્તાનથી મંગાવવામાં આવેલી ખારેકની કિંમત પ્રતિ ટન 300 ડોલરની આસપાસ હતી.જેથી 198 મેટ્રિક ટન જથ્થો મંગાવવામાં આવે તો તે પેટે ડીસી ઇન્ટરનેશનલના સંચાલકોએ 42 લાખની આસપાસની ચુકવણી કરી હતી.આ જથ્થો પાકિસ્તાનથી ભારત મંગાવવામાં આવે તો 200 ટકા ટેક્સ ભરવો પડતો હોય છે.જેથી ટેક્સ બચાવવા માટે ખારેકની ખરીદી પાકિસ્તાનથી કરી હોવા છતાં દુબઇથી માલ મંગાવવામાં આવ્યો હોવાનું દર્શાવીને ફક્ત 20 ટકા જ ટેક્સ ભરપાઇ કર્યો હતો.
જોકે ડીઆરઆઇએ જથ્થાને ઝડપીને તે પેટે વસૂલવાના થતા 83 લાખ રૂપિયાનો દંડ ડીસી ઇન્ટરનેશનલના સંચાલકોને ફટકાર્યો છે.જોકે આ દંડ ભરવામાં આવે તેવી શક્યતા ઓછી હોવાનું જાણકારો કહી રહ્યા છે.કારણ કે 42 લાખની ખારેક સામે 83 લાખ ભરવાના આવે તો ખારેકની કિંમત ત્રણ ગણી થઇ જાય તેમ છે.તેમજ તેની ખરીદી પણ ખોટના ભાવે કરવાના કારણે આ જથ્થો જ છોડાવવામાં નહીં આવે તેવું કહેવાય છે. જોકે હાલ તો ડીઆરઆઇએ દંડ વસૂલ કરવાની કવાયત હાથ ધરી છે.


