સુરત : જીએસટી વિભાગની લાલિયાવાડીને લીધે વેપારીઓને વિવિધ રીતે હેરાનગતિ થઈ રહી છે.તાજેતરનો જ હાઇકોર્ટમાં પહોંચેલો એક કેસ ચર્ચાને સ્થાને છે,જેમાં ખરીદનારા વેપારીને એમ કહીને ડિમાન્ડ નોટિસ કાઢવામાં આવી હતી કે વેચનાર વેપારી એડ્રેસ પર મળી આવતો નથી એટલે સમગ્ર ટ્રાન્ઝેક્શન જ બોગસ છે.
આ કેસમાં ખરીદનારા વેપારીએ બધા જ પુરાવા હાઇકોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એસજીએસટી પાસે જવાબ માંગ્યો છે અને નોટિસ પણ ઇશ્યુ કરી છે.સી.એ. મુકુંદ ચૌહાણ કહે છે કે, એક્સપાર્ટી ઓર્ડર કરી દેવાયો હતો જેને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ખરીદનાર વેપારીએ વિગતો આપી હતી કે જે તે વેપારીએ એડ્રેસ બદલીને નવી જગ્યાએ ધંધો શરૂ કર્યો છે.તેમ છતાં અધિકારીએ એક્સપાર્ટી ઓર્ડર કરી દીધો હતો.અધિકારીઓ અનેકવાર વિગતો ન હોવાનું કારણ ધરીને ઓર્ડર કરી દે છે.
ખરીદનાર પાર્ટીએ કોર્ટમાં જે એફિડેવિટ રજૂ કરી હતી તેમાં સામેના વેપારીના એડ્રેસ બદલવાની અને નવા એડ્રેસની વિગતો હતી.જેને ધ્યાને લઈને કોર્ટ જીએસટીને નોટિસ પાઠવી હતી અને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.