સુરત : ગુજરાતમાં એક પછી એક વિભાગના લોકો કોઈને કોઈ પોતાની માગણીને લઈને વિરોધ કરી રહ્યા છે.ત્યાં ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબત વિરોધ કરી રહ્યા છે.અને સાથે આવનારા દિવસોમાં સરકાર દ્વારા કોઈ જવાબ નહિ આપે તો તારીખ 8 ઓક્ટોમ્બરથી તમામ કર્મચારીઓ સીએલ પર જઈ વિરોધ કરી ચક્કાજામ પણ કરશે તેવી ચીમકી આપી છે.
ગુ.રા.મા.વા.વ્ય.નિગમના કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે નિગમના ત્રણેય ગુજરાતના માન્ય સંગઠનો દ્વારા લેખિત તથા મૌખિક રજુઆતો નિગમ તેમજ સરકારમાં કરવા છતાં આજદિન સુધી પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવેલ નથી. અને તેના કારણે કર્મચારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે.જેથી તમામ કર્મચારીઓ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યાં છે. અને છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિરોધ પણ કરી રહ્યાં છે.
નિગમના માન્ય સંગઠનોની બનેલ સંકલન સમિતિની મળેલી મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.જે મુજબ કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોના મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર નિગમના માન.એમ.ડી.સાહેબ તેમજ મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રીને પાઠવવામાં આવેલ છે.
રાજય સરકારના હસ્તકના તમામ બોર્ડ-નિગમો-એકમોના તમામ કર્મચારીઓને આ લાભ ચુકવી આપેલ છે.માત્ર એસ.ટી. નિગમના કર્મચારીઓ સાથે અલગ વર્તન રાખવામાં આવી રહ્યું છે.ભેદભાવ દાખવીને આ લાભ આપવામાં આવેલ નથી.જેથી હાલમાં તમામ વિભાગ દ્વારા કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે તબકકાવાર આંદોલન કરી રહ્યા છે.અને જો 7 તારીખ સુધી ST કર્મચારીઓના માગ નહીં સંતોષવામાં આવે તો 8 તારીખ રાત્રીના 12 વગાય થી ગુજરાતના 45 હજાર કર્મચારીઓ અને સુરત ST વિભાગના 2400 કર્મચારીઓ સીએલ પર જઈ હડતાળ કરશે અને ચક્કાજામ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
એસ.ટી.નિગમના કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નો
( 1 ) નિગમ દ્વારા સરકારમાં દરખાસ્તો અંગેનાં હકારાત્મક નિર્ણય લઈ અમલવારી કરવી.
( 2 ) સેટલમેન્ટ કરાર મુજબ 16 % મોંઘવારી ભથ્થાની અસર સહીત તેમજ ચડત એરીયર્સની રકમ સપ્ટેમ્બર પેઈડ ઈન ઓકટોબર ૨૦૨૧ માસના પગારમાં ચુકવી આપવી.
( 3 ) સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ ૪ ના કર્મચારીઓને વર્ષ 2018-19 , વર્ષ 2019-2010નું બોનસ તા 15/9/21 સુધીમાં ચુકવી આપવું.
( 4) સેટલમેન્ટ કરાર મુજબ 7 માં પગાર પંચની અમલવારીથી ચુકવવાપાત્ર થતો ઓવર ટાઈમ પાછલી અસર સાથે તાત્કાલીક ચુકવી આપવો.
આ સિવાય પણ અનેક પ્રશ્નો મામલે કર્મચારીઓમાં અસંતોષ છે.


