ભાજપ નેતા ગોરધન ઝડફિયાનું ઢીમ ઢાળી દેવા માટે આવેલા શાર્પ શુટરની ધરપકડ થયા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના આગેવાન જીણાભાઈ ડેડવારિયાની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે.મોડી રાત્રે ગાંધીનગરથી પોતાના વતન ચોટીલા તરફ બાય કાર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ એમની કાર પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા.ચુડા પાસે મોટી મોરવાડ રોડ પર આ ઘટના બની હતી.
વર્ષ 2017માં તેઓ હાલ કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે ચૂંટણી લડ્યા હતા.જીણાભાઈ ડેડવારિયા મૂળ ચોટીલાના છે.આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓમાં જીણાભાઈ ડેડવારિયાની ગણના થાય છે.જ્યારે તેઓ ગાંધીનગરથી પરત ચોટીલા આવી રહ્યા હતા ત્યારે ચુડા ગામ નજીક સાઈડ લેવા અંગે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ એમની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં જીણાભાઈનો બચાવ થયો છે.એમને કોઈ પ્રકારની ઈજા પહોંચી નથી.પણ કારના કાચ તૂટી ગયા હતા.આ મામલે પોલીસે ગુનો નોંધીને અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે.જીણાભાઈ ચોટીલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે એમને સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા હતા.
જ્યાંથી પરત આવતા સમયે આ ઘટના બની હતી.મોડી રાત્રે જ્યારે તેઓ ગાંધીનગરથી ચોટીલા તરફ આવતા હતા ત્યારે હુમલો કરવા માટે આવેલા એક એક્ટિવા પર ત્રણ વ્યક્તિ જઈ રહ્યા હતા.જ્યારે કાર ડ્રાઈવરે ડીપર મારીને સાઈડ આપવા માટે કહ્યું ત્યાર એક્ટિવામાં પાછળ બેઠેલા વ્યક્તિએ કંઈ પણ વિચાર્યા વગર કાર પર ધડાધડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.જેના કારણે ગાડીની એક તરફનો કાચ તૂટી ગયો હતો.ભાજપ નેતાઓ પર થતી આવી ફાયરિંગની ઘટનાઓને લઈને પોલીસે અનેક સ્તર પર તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.સૌરાષ્ટ્રમાં હાઈવે પર ફાયરિંગની ઘટનામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને ચોટીલાથી લિંબડી-અમદાવાદ વચ્ચેનો આ રસ્તો ફરી એક વખત ગુનાખોરી માટે રેઢોપટ બન્યો છે.અગાઉ આ જ રોડ પરથી દારૂનો ટ્રક ઝડપાયો હતો.રાત્રીના અંધારાનો લાભ લઈને આવા શખ્સો ફાયરિંગ જેવી ઘટનાને અંજામ આપે છે.