– કાકાની અંતિમયાત્રામાં પહોંચ્યો અને પોલીસે દબોચ્યો
સુરત : વેડરોડના માથાભારે સૂર્યા મરાઠીની હત્યામાં ઝડપાયા બાદ લાજપોર જેલમાં મસ્ત હોવાનો વીડિયો વાઈરલ કરનાર રાહુલ એપાર્ટમેન્ટને ક્રાઇમ બ્રાન્ચે અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિ બહારથી ઝડપી લીધો હતો. પાંચ દિવસનાં વચગાળાના જામીન મેળવી રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં પરત જવાને બદલે ફરાર થઇ ગયો હતો.
ગત ૧૨મી ફેબ્રુઆરીએ વેડરોડના માથાભારે ગણાતાં સૂર્યા મરાઠીની હત્યા તેની જ ઓફિસમાં કરી નાખવાના ગુનામાં ઉધનાના ટપોરી રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ ભાઇદાસ પિંપળે ઉપરાંત એક સમયે સૂર્યા માટે જ કામ કરતાં શફી, અમુલની સંડોવણી બહાર આવી હતી.એક સમયે પોતાનો રાઇટ હેન્ડ ગણાતા હાર્દિકના લોહી માટે સૂર્યા મરાઠી તરસ્યો બનતા સૂર્યાના જ સાગરીતોએ તેની હત્યાનો કારસો ઘડી નાંખ્યો હતો.જોકે આ હુમલામાં હાર્દિક પણ હણાયો હતો.
રાહુલ એપાર્ટમેન્ટ જેલમાં હતો તે દરમિયાન પત્નીની ડિલિવરી માટે પાંચ દિવસનાં વચગાળાના જામીન મેળવી બહાર આવ્યો હતો.ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. રજાની મુદતમાં વધારો કરાવ્યા બાદ પણ તે લાજપોર જેલમાં હાજર નહિ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને શોધવા ધંધે લાગી હતી.વતન ભાગી છૂટેલો રાહુલ એપાર્ટમેન્ટ તેના કાકા સુદામભાઇના અવસાનને પગલે તેમની અંતિમયાત્રામાં અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં આવ્યો હોવાની માહિતીને પગલે સબ ઇન્સ્પેક્ટર સી.આર. દેસાઇની આગેવાનીમાં હે.કો. શૈલેષ દૂબે અને મનોજ તુકારામે સ્મશાન ભૂમિ બહારથી જ ઊંચકી લીધો હતો.


