મુંબઇ : ભારતીય રિઝર્વ બેન્કના એક અંદાજ પ્રમાણે કોરોનાના સેકન્ડ વેવના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક ઉપાર્જનમાં રૂપિયા બે લાખ કરોડનું નુકસાન થઇ શકે છે. રિઝર્વ બેન્ક દ્વારા નુકસાનનો અંદાજ માંડવા સંભવિત આ પ્રકારની સૌપ્રથમ કવાયત હાથ ધરાઇ હતી. જૂન ૨૦૨૧ના માસિક બુલેટિનમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે રાજ્યો દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન અને નાના શહેરો તથા ગામોમાં કોરોનાના પ્રસારના કારણે ગ્રામીણ માગમાં મોટો ઘટાડો થયો છે.આર્થિક ઉપાર્જનમાં નુકસાનને જીડીપી સાથે સીધો કોઇ સંબંધ નથી પરંતુ અર્થતંત્રમાં નુકસાનનો ઉમેરો તો કરે જ છે.ભારતીય અર્થતંત્રની સ્થિતિ પર રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, કોરોનાના સેકન્ડ વેવના કારણે ઘરેલુ માગમાં ઘટાડો થયો છે અને ભારતીય અર્થતંત્ર કોરોનાના સેકન્ડ વેવ સામે સંઘર્ષ કરી રહ્યું છે તેમ છતાં કૃષિ અને સંપર્ક કર્યા વિનાની સેવાઓ યથાવત છે જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ વધી રહ્યાં છે.રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, વેક્સિનેશનની ઝડપ અને વ્યાપ અર્થતંત્રમાં રિકવરીનો માર્ગ કંડારશે.ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીની અસરોમાંથી બાઉન્સ બેક કરશે.
બીજીતરફ સ્વીસ બ્રોકરેજ યુબીએસ સિક્યુરિટીઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં રાજ્યો દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે વર્ષ ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૦ના આજ સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો હતો.તેનો અર્થ એ થયો કે ભારતીય અર્થતંત્રમાં ગયા વર્ષની જેમ વી શેપ રિકવરી થઇ રહી નથી.


