– 24 જૂનથી એરફોર્સમાં, 25મી જૂનથી નેવીમાં તથા પહેલી જુલાઈથી સેનામાં ભરતી શરૂ થશે
– તોડફોડ કરનારાઓને તક નહીં મળે, ભવિષ્યમાં સેનામાં તમામ ભરતીઓ આ સ્કીમ અંતર્ગત જ થશે, 12 પાસનું સર્ટિફિકેટ આપવામાં આવશે
નવી દિલ્હી, તા. 19 જૂન 2022, રવિવાર : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.કોંગ્રેસ દ્વારા પણ દિલ્હીના જંતર-મંતર ખાતે આ યોજનાના વિરોધમાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે એક બેઠક યોજી હતી ત્યારે હવે સેનાની ત્રણેય પાંખે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સ્વૈચ્છિક યોજના અંગે જે શંકાઓ છે તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો છે.
FIR થઈ હશે તો નહીં મળે તક
સેનાએ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સેનાએ જણાવ્યું કે, અમુક સંસ્થાઓ જેમણે વિદ્યાર્થીઓ પાસેથી તૈયારીના પૈસા લઈ લીધા છે તેઓ તેમને ઉશ્કેરી રહી છે.સેના એક વાત સ્પષ્ટ કરી દેવા માગે છે કે, જો કોઈ યુવાન સામે એફઆઈઆર દાખલ થઈ હશે, તોડફોડમાં સામેલ હશે તો તેને સેનામાં ભરતીની તક નહીં આપવામાં આવે.
ભવિષ્યમાં દર વર્ષે સવા લાખ ભરતી થશે
ત્રણેય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ‘અગ્નિપથ’ યોજના યુવાનો માટે લાભદાયી હોવાનું કહેવામાં આવ્યું છે.ઉપરાંત ભવિષ્યમાં દર વર્ષે સવા લાખ જેટલા અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.સેનાએ જણાવ્યું કે, આગામી 4-5 વર્ષમાં 50થી 60 હજાર સૈનિકોનો વધારો કરવામાં આવશે તથા બાદમાં તેને વધારીને 90 હજાર-એક લાખ સુધી લઈ જવાશે.આ યોજનાનું વિશ્લેષણ કરવા માટે 46,000 જવાનો એક નાનકડી શરૂઆત છે.
યોજના પાછી નહીં લેવાય
સેનાએ અગ્નિપથ યોજના પાછી ખેંચવાની કોઈ પણ સંભાવનાને નકારી દીધી છે.સેનાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય.
989થી આ યોજના પર વિચારણા
અગ્નિપથ યોજના પર સૈન્ય મુદ્દાઓના વિભાગના અધિક સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું કે, આ સુધારો ઘણાં લાંબા સમયથી પેન્ડિંગ હતો. 1989ના વર્ષમાં આ યોજના માટેની વિચારણા શરૂ થઈ હતી અને તેને લાગુ કરતા પહેલા અનેક દેશની સેના નિયુક્તિઓ તથા ત્યાંના એક્ઝિટ પ્લાનનો અભ્યાસ કરવામાં આવ્યો.
સેનાની સરેરાશ વય ઘટાડવાનું લક્ષ્ય
આજે સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. અમે તેને ઘટાડીને 26 વર્ષ કરવા માગીએ છીએ.યુવાનો વધુ રિસ્ક લઈ શકે છે તે આપણે સૌ જાણીએ છીએ.સેનાને યુવાનોની જરૂર છે.આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોના જોશ-હોંશ સાથે તાલમેલ સાધવાનો છે.
ભરતીની તારીખો
એડજ્યુટન્ટ જનરલ લેફ્ટિનેન્ટ જનરલ બંશી પુનપ્પાએ જણાવ્યું કે, સેનામાં અગ્નિવીરોની ભરતી માટે પહેલી જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર થઈ જશે.ત્યાર બાદ એપ્લિકેશન રજિસ્ટ્રેશન શરૂ થશે.ભરતી માટેની પહેલી રેલી ઓગષ્ટના બીજા સપ્તાહથી શરૂ થશે.રેલીમાં ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ થશે.ત્યાર બાદ એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે અને બાદમાં તેમને કોલમમાં મેરિટ પ્રમાણે મોકલવામાં આવશે.

