મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે ગઈ કાલે માતોશ્રી પર જઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા રાજ્યમાં રાજકીય અસ્થિરતા સર્જાતાં મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે ગઈ કાલે માતોશ્રી પર જઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.તેમની વચ્ચે ચર્ચા થઈ હતી અને ત્યાર બાદ દાદરમાં આવેલા સેનાભવન અને બાંદરાના કલાનગરમાં આવેલા તેમના માતોશ્રી નિવાસસ્થાન પર સિક્યૉરિટી વધારી દેવાઈ હતી.એ સિવાય મંત્રાલય અને રાજભવનની સિક્યૉરિટીમાં પણ વધારો કરાયો હતો.
મંગળવારે રાતે માહિમના શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકર એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા એવી માહિતી મળી ત્યારે કેટલાક શિવસૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમણે સદા સરવણકરના ફોટો પર ગદ્દાર એમ લખ્યું હતું.એ પછી શિવસેનાના જે પણ વિધાનસભ્યો શિંદે સાથે છે તેમના ઘર અને ઑફિસ પર સિક્યૉરિટી વધારી દેવાઈ છે.એની સાથે જ શિવસેનાની દરેક શાખા પર પણ સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે.એ જ પ્રમાણે વિરોધ પક્ષના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નાગપુરના નિવાસસ્થાને પણ સિક્યૉરિટી વધારી દેવાઈ છે.