- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયન ખાતે રમાઈ હતી
દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયન ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી પારીમાં જીતવા માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો,પરંતુ યજમાન ટીમ બીજી પારીમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સેન્ચુરિયનમાં ભારતે પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે.
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ બીજી પારીમાં યજમાન ટીમને પહેલો ઝટકો આપ્યો અને એક રન પર એડન માર્કરમને ક્લીન બોલ્ડ કર્યો હતો.કીગન પીટરસન 17 રને સિરાજના બોલ પર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો.જસપ્રીત બુમરાહે વાન ડેર ડુસેનને 11 રને ક્લીન બોલ્ડ કર્યો હતો,ત્યાર બાદ કેશવ મહારાજને પણ 8 રને ક્લીન બોલ્ડ કર્યો હતો.આ ટીમના કેપ્ટન એલ્ગરને બુમરાહે 77 રને આઉટ કર્યો હતો.
મોહમ્મદ સિરાજે ભારતને છઠ્ઠી સફળતા અપાવી,જ્યારે ક્વિન્ટન ડી કોક 28 બોલમાં 21 રને બોલ્ડ થયો હતો.ટૂંક સમયમાં જ શમીએ 1 રન પર વિયાન મુલ્ડરને રિષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો.જોન્સેનને શમીએ 13 રને આઉટ કર્યો હતો,જ્યારે રબાડાને અશ્વિને શૂન્ય પર આઉટ કર્યો હતો.
બીજી પારીમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.જેમાં કેએલ રાહુલે 23 રન,મયંક અગ્રવાલ 4 રન,શાર્દુલ ઠાકુરે 10 રન, પૂજારાએ 16 રન,કેપ્ટન કોહલીએ 18 રન,અજિંક્ય રહાણેએ 20 રન અને રિષભ પંતે 34 રનનું યોગદાન આપ્યું હતું.ભારતની બીજી ઈનિંગમાં ટીમ 174 રનમાં સમેટાઈ ગઈ હતી.બીજી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકા તરફથી રબાડા અને માર્કો જોનસેને 4-4 વિકેટ,જ્યારે નગીડીને 2 સફળતા મળી હતી.
પહેલી પારીની વાત કરીએ તો,ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.ભારતે કેએલ રાહુલની સદી અને મયંક અગ્રવાલની અડધી સદીના આધારે 327 રન બનાવ્યા હતા.દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી નગીડીએ 6 અને કગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી.જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 197 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.જ્યારે ભારત તરફથી પાંચ વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી અને બે-બે વિકેટ શાર્દુલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે લીધી હતી.
સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને 113 રનથી હરાવ્યું
Leave a Comment

