– સેબી સાથે ચર્ચા કરી છે રોકાણકારોની વેલ્યૂનું રક્ષણ કરવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ હતોઃ ફંડ
એજન્સી > મુંબઈ
ફ્રેન્કલીન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે 6 ડેટ સ્કીમ બંધ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધા બાદ શુક્રવારે તેણે કહ્યું હતું કે આ નિર્ણય અંગે તેણે સેબી સાથે ચર્ચા કરી હતી અને સેબીને રોકાણકારોની વેલ્યૂનું રક્ષણ કરવા માટે તેના આ નિર્ણયમાં ‘તર્ક’ લાગ્યો છે.ફંડે કહ્યું હતું કે રોકાણકારોને તેમના નાણાં મેળવવામાં થોડાં મહિનાનો સમય લાગશે.તેણે કહ્યું કે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન્સમાં નીચા વ્યાજદર છતાં કોઈ લેવાલ નથી તે દર્શાવે છે કે સિસ્ટમમાં જોખમ ટાળવાનું વલણ વધ્યું છે અને માર્કેટમાં ડિસલોકેશન થઈ રહ્યું છે.
ફ્રેન્કલીન ટેમ્પલટન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુડવાએ ઈન્વેસ્ટર કોલમાં કહ્યું હતું કે ‘અમે આ મુદ્દે રેગ્યૂલેટર સેબી સાથે ચર્ચા કરી છે અને સેબીએ પણ ખૂબ જ સહયોગપૂર્ણ વલણ અપનાવ્યું છે. સેબીને પણ તેમાં તર્ક દેખાયો છે.કે ફંડ બંધ કરવાનો નિર્ણય જ શ્રેષ્ઠ વિકલ્પ છે.આ ખૂબ જ વિચારપૂર્વક લેવાયેલો નિર્ણય છે, ઉતાવળમાં નથી લેવાયો.’ ફ્રેન્કલીન ટેમ્પલટન ભારતમાં છેલ્લાં 25 વર્ષથી કાર્યરત છે. તેણે ગુરુવારે સાંજે અચાનક જાહેરાત કરી હતી કે તેણે 6 ડેટ સ્કીમ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે.આ 6 સ્કીમમાં ફ્રેન્કલીન ઈન્ડિયા લો ડ્યૂરેશન ફંડ, ફ્રેન્કલીન ઈન્ડિયા ડાયનેમિક એક્રુઅલ ફંડ, ફ્રેન્કલીન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલીન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈન્કમ પ્લાન, ફ્રેન્કલીન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલીન ઈન્ડિયા ઈન્કમ ઓપોર્ચ્યૂનિટીઝ ફંડનો સમાવેશ છે.આ છ ડેટ સ્કીમની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ(AUM) ~25,000 કરોડથી વધુની હતી.કોરોના સંબંધિત સ્થિતિને કારણે કોઈ ફંડે સ્કીમ બંધ કરી હોવાની આ પ્રથમ ઘટના છે.
ફ્રેન્કલીન ટેમ્પલટન ફંડે આ માટે રિડમ્પ્શનનું દબાણ અને બોન્ડ માર્કેટમાં લિક્વિડિટીનો અભાવ હોવાનું કહ્યું હતું. માર્કેટના વર્તુળોને ચિંતા છે કે આ ઘટનાક્રમ અને વર્તમાન સ્થિતિ જોતા અન્ય ડેટ સ્કીમને પણ અસર થઈ શકે છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પર પણ અસર થઈ શકે છે.ફંડે આ સાથે જ કહ્યું હતું કે તેની બાકીની તમામ સ્કીમ રાબેતા મુજબ કાર્યરત રહેશે અને ભારતમાં રોકાણ અંગે તેણે કમિટમેન્ટ દર્શાવ્યું હતું.ભારતમાં તેના ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર સંજય સપ્રેએ કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે રોકાણકારો તરફથી અસાધારણ રિડમ્પ્શનનું દબાણ જોવા મળ્યું હતું અને આવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડ પાસે તેનું હોલ્ડિંગ નોંધપાત્ર એવા નીચા દરે વેચવા સિવાય કોઈ વિકલ્પ ન હતો અને તેનાથી રોકાણકારો પર વ્યાપક અસર થાય તેમ હતી અથવા રોકાણ જાળવી રાખવા માટે ઋણ લેવું પડે તેમ હતું.આ બન્ને વિકલ્પો મુશ્કેલ લાગ્યા હતા અને ત્યાર પછી રોકાણમૂલ્યનું રક્ષણ કરવા માટે સ્કીમ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આથી હવે રોકાણકારો નવા કોઈ ટ્રાન્ઝેક્શન કરી નહીં શકે.
ફંડની મેનેજમેન્ટની દૃષ્ટિએ કામગીરી ચાલુ રહેશે, પાકતી મુદ્દતની રકમ અને રોકાણ પર કૂપન એક્રૂ થઈ જશે અને પેપર્સના જે સારામાં સારા ભાવ મળશે તે ભાવે વેચાશે. ફ્રેન્કલીન ટેમ્પલટનના ફિક્સ્ડ ઈન્કમ માટેના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર સંતોષ કામથે કહ્યું હતું કે ‘અમને લાગે છે કે રોકાણકારોને નુકસાન થશે કારણ કે માર્કેટ અને દેશના અર્થતંત્ર કઈ દિશામાં જશે તે અંગે અનિશ્ચિતતા છે.આથી અમે યોગ્ય રીતે અને કોઈ ડિસરપ્શન ન થાય તે રીતે આ છ સ્કીમ બંધ કરવાનો નિર્ણય લીધો છે.’કુડવાએ કહ્યું હતું કે જેમ-જેમ નાણાં આવશે તેમ-તેમ રોકાણકારોને તબક્કાવાર રીતે તેમના નાણાં મળશે.જોકે સપ્રેએ કહ્યું હતું કે સ્કીમ બંધ થાય તો સમાન રીતે રકમની વહેંચણી થવી જોઈએ.
કામથે કહ્યું હતું કે માર્કેટ ડિસલોકેટ થઈ ગયું છે અને લોકડાઉન અંગે પણ હજી કોઈ સ્પષ્ટતા નથી. રિઝર્વ બેન્ક પાસે દરરોજ લાખો કરોડો રૂપિયાની લિક્વિડિટી મૂકવામાં આવી રહી છે તે જોતા લાગે છે કે રિસ્ક એપેટાઈટ(જોખમ ઉઠાવવાની ક્ષમતા)માં ગંભીર સ્ટ્રેસ જોવા મળી રહ્યું છે.ફ્રેન્કલીન ટેમ્પલટન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના વાયરસ ક્રાઈસીસ અને તેને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કોર્પોરેટ બોન્ડ માર્કેટના કેટલાક સેગમેન્ટમાં તરલતામાં નાટ્યાત્મક રીતે અને સતત ઘટાડો થયો છે.આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડ્સ,ખાસ કરીને ફિક્સ્ડ ઈન્કમ સેગમેન્ટમાં, સતત મોટાપાયે રિડમ્પ્શનનું દબાણ અનુભવી રહ્યા છે.