વલસાડ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.310 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભિયારણમાં 400થી વધુ વન્ય જીવો વસવાટ કરે છે. હાલ લોકડાઉનમાં અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ છે.તેમ છતાં અહીં વસવાટ કરતા વન્ય જીવો માટે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખી વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
સેલવાસ 310 હેકટરમાં પથરાયેલ આ અભ્યારણ્યમાં નીલગાય,ચોસિંગા,સાબર,ચિતલ જેવા 400થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરી રહ્યા છે.વિશેષ પ્રકારના અવાજ સાથે વન્ય જીવોને બોલાવ્યા બાદ દોડતા આવતા આ વન્ય જીવો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાતમાલિયા ડિયર પાર્કના છે.
સાતમાલિયા અભિયારણ કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે.જેમાં વિપુલ પ્રમાણમાં વન્યસંપતિઓ આવેલી છે.અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાત્તે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સેલવાસ વનવિભાગે કરેલી છે.પ્રવાસીઓ માટે સદાય આકર્ષણનું કેન્દ્ર રહેતા આ ડિયર પાર્કમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે વન વિભાગે વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે.ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા માટે કેરટેકર વિશેષ અવાજ દ્વારા એસેમ્બલી પોઇન્ટ પર ભેગા કરે છે.જયાં એમને કેટલ ફીડ,જુવાર બાજરીના પીલિયા,શેરડીની ચીમરી અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે.અભ્યારણમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ, ચેકડેમ અને કુત્રિમ તળાવ છે.ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવા અને નદીના પાણીને પાઇપલાઇનથી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં અવિરતપણે ઠાલવવામાં આવે છે.આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છીપાવે છે.તળાવમાં પાણીના કારણે આજુબાજુના મોટા વૃક્ષો લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે સેલવાસ વન વિભાગે પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણીની ઉત્તમ વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે. જે આ વખતે લોકડાઉનના સમયમાં પણ અવિરત રહી છે.


