તાપી : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉકાઈ માંડવી રોડ ઉપર આવેલ ભૂરીવેલ ગામે રોડની બાજુમાં શાકભાજીનો વેપાર કરતાં ફેરિયાને ત્યાંથી હટાવી બજાર બંધ કરાવાતા ફેરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા.અને રોડની વચ્ચે બેસી જઈ સોનગઢ માંડવી રોડ ઉપર ચક્કાજામની પરિસ્થિતી ઊભી કરી હતી.અંતે ઉચ્ચઅધિકારી દોડી આવ્યા હતા.અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ધંધો કરવા માટે મંજૂરી આપી બજાર શરૂ કરાવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ખાતે ઉકાઈ માંડવી રોડ ઉપર આવેલ ભૂરીવેલ ગામે રોડની નજીક બજારમાં મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓ છૂટક શાકભાજી વેચવાનું કામ કરે છે.જેને ઉકાઈ પોલીસના હોમગાર્ડ દ્વારા બજાર બંધ કરાવી દેતા શાકભાજીનો વેપાર કરતી મહિલાઓ તેમજ અન્ય ફેરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા.અને વાતાવરણ તંગ બન્યું હતું ત્યારબાદ આ મહિલાઓ રોડ ઉપર ઉતરી આવી હતી. અને શાકભાજી રોડની વચ્ચે ખાલવી દઈ રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો.જેથી ઘટનાની જાણ થતાં ઉકાઈ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને મહિલાઓ સાથે તેમજ ફેરિયાઓ સાથે ચર્ચા કરી સોશ્યલડિસ્ટન્સિંગ તેમજ માસ્ક સાથે ધંધો કરવા માટે મંજૂરી આપતા મામલો થાળે પડ્યો હતો અને રોડ ઉપરનો ટ્રાફિક જામ હળવો થયો હતો.