બારડોલી : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં શ્રાવણીયા ગામની સીમમાંથી તાપી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ટેમ્પામાં શેરડીની આડમાં વિદેશી દારૂનો જથ્થો વ્યારા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.એક કારમાં બેસેલ પાંચ શખ્સો આ ટેમ્પાનું પાઇલોટિંગ કરી રહ્યા હતા.એલસીબી પોલીસે 2.67 લાખના વિદેશી દારૂ સાથે 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસની ટીમ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુરથી એક પીકઅપ ટેમ્પો નંબર જીજે-05-બીવી-6832 નો ચાલક તથા ક્લીનર ટેમ્પામાં શેરડીની ચીમડીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સોનગઢ થઈ શ્રાવણીયા ગામ થઈ વ્યારા તરફ જનાર છે.અને એક સ્કોડા કાર નંબર જીજે-05-જેએન-2626માં પાંચ ઇસમો સવાર છે જે આ ટેમ્પાનું પાયલોટિંગ કરી રહ્યા છે.જે હકીકતના આધારે એલસીબી પોલીસે શ્રાવણીયા ગામની સીમમાં વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબની સ્કોડા કાર આવતા તેને અટકાવી તેમાં બેસેલ અજયકુમાર નાનુભાઈ ગામિત (રહે, તાડકુવા, મહુડી ફળિયું, તા-વ્યારા), હિતેનકુમાર હરીશભાઈ ગામિત (રહે, તાડકુવા,મહુડી ફળિયું, તા-વ્યારા), રાહુલભાઈ જયંતિભાઈ ગામિત (રહે, સરકુવા, નવુંફળિયું, તા-વ્યારા), શયનેશ ચંપક ગામિત (રહે, તાડકુવા, નિશાળફળિયું, તા-વ્યારા), વિકાસ બચુભાઈ ગામિત (રહે, તાડકુવા, નિશાળ ફળિયું, તા-વ્યારા) ને ઝડપી પાડ્યા હતા.ત્યારબાદ બાતમી મુજબનો પીકઅપ ટેમ્પો આવતા તેને અટકાવી ટેમ્પામાં ભરેલ ચીમડી નીચેથી વિદેશી દારૂની કુલ 3672 નંગ બોટલ કિંમત રૂ, 2,67,600 ના જથ્થા સાથે ચાલક રાહુલભાઈ સોમાભાઇ ગામિત (રહે, મોટા તારપાડા, નિશાળફળિયું, તા-સોનગઢ) તથા ક્લીનર સંજયભાઇ કિશનભાઈ ગામિત (રહે, મોટા તારપાડા, નિશાળ ફળિયું, તા-સોનગઢ) ને ઝડપી પાડ્યા હતા.એલસીબી પોલીસે વિદેશી દારૂ,કાર અને ટેમ્પો મળી કુલ 12,49,600નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.