દિવાળીના 7 દિવસ પહેલા અદ્ભૂત શુભ સંયોગ અને શુભ મુહૂર્ત બની રહ્યા છે.નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને શુભ તથા પુણ્યદાયક નક્ષત્ર માનવામાં આવે છે.ત્યારે કોરોનાકાળ બાદ દરેક તહેવારમાં બજારમાં રોનક જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે.તેમજ દિવાળીનો પણ તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સોના ચાંદીની પણ ધૂમ ખરીદી ચાલી રહી છે અને હવે તહેવાર નજીક આવતા સોની બજારમાં પણ તેજી આવી હોય તેમ જણાય રહ્યુ છે.પુષ્યનક્ષત્રમાં ધનતેરસ અને દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં સોનું કે ચાંદીની ખરીદતા હોય છે.જેના માટે હવે તો જ્વેલર્સને એડવાન્સમાં ઓર્ડર મળી રહ્યાં છે.ત્યારે અમદાવાદમાં તો 25 થી 30 ટકાનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયુ છે.
25થી 30 ટકા સોના-ચાંદીનું પ્રિ-બુકિંગ
ધનતેરસ અને પુષ્યનક્ષત્ર આ બંને એવા પ્રસંગ છે જ્યારે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે, કારણકે આ સમય દરમિયાન સોનું અને ચાંદી ખરીદવું શુભ ગણાય છે આ જ કારણ છે કે આ વર્ષે અમદાવાદીઓએ અત્યારથી જ 25થી 30 ટકા સોના-ચાંદીનું પ્રિ-બુકિંગ કરાવી લીધું છે.જેમાં સોનાનું 200 કિલોથી વધારે અને ચાંદીમાં 4 હજાર કિલો ચાંદીનું પ્રિ-બુકિંગ થઈ ગયું છે જ્વેલર્સનું પણ માનવું છે કે આ સિઝનમાં સોના-ચાંદીનું સારું વેચાણ થાય છે.
સોના-ચાંદીના ભાવ વધે તેવા એંધાણ
આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધે તેવા એંધાણ છે આથી જ શુભ મૂહુર્તમાં શુભ ખરીદી કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે અમદાવાદીઓ પ્રિ-બુકિંગ કરાવી રહ્યા છે. તેના કારણે જ્વેલર્સ પણ ખુશ છે.સામાન્ય રીતે અમદાવાદમાં પુષ્ય નક્ષત્ર દરમિયાન અને તેમાંયે ખાસ કરીને દિવાળીના નવા દિવસોમાં આ નક્ષત્રમાં અમદાવાદવાસીઓ સોના-ચાંદીની ધૂમ ખરીદી કરતા હોય છે.. આ વર્ષે પણ પ્રિ-બુકિંગને જોતા લાગે છે કે અમદાવાદીઓ ગત વર્ષોનો રેકોર્ડ તોડશે.