– વર્ષોથી અટવાયેલા પ્રશ્નનો નિકાલ લાવવામાં તંત્રની ઘોર ઉદાસીનતા
સોનગઢ : સોનગઢ પાસેના સોનારપાડા ગામે પડેલ ફાજલની સરકારી જમીન લાભાર્થીઓ ને ફાળવી દીધા બાદ કબ્જો સોંપવામાં ન આવતા લાભાર્થીઓ દ્વારા સોનગઢ મામલતદાર ને આવેદન અપાયું હતું.
આ અંગે રજુઆતકર્તાઓના જણાવ્યા અનુસાર એમને વર્ષ 2007થી 2011ના સમયગાળા સુધીમાં સોનારપાડા ગામે સરકારી પડતર પડેલ જમીન કાયમી ધોરણે નિયમોનુસાર ફાળવેલ હતી.જો કે આ ફાળવણી થયાને અંદાજીત 13 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં હજી સુધી એમને ફાળવેલ જમીન નો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવ્યો નથી કે સાત બારની નકલ પણ આપવામાં આવતી નથી. આ પહેલા પણ અરજદારોએ સને 2016માં અને 2019માં લેખિત રજુઆત કરી એમને ફાળવેલ જમીનનો કબ્જો સોંપી દેવા માંગણી કરી હતી પરંતુ સરકાર પક્ષે આ અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી.અરજદારોએ પ્રાંત કચેરી,ટીએલઆર અને મામલતદાર કચેરીમાં અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી એમને ફાળવેલ ફાજલ જગ્યા હજી સુધી મળી નથી.કુલ 15 જેટલા ખાતેદારોએ ફરી એકવાર સોનગઢ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી ન્યાય મેળવવા ની અરજ ગુજારી હતી.