મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી : કોરોના મહામારીમાં જે દવા વધુ અસરકારક હતી તેની દાણચોરી ગુજરાતથી છેક સાઉથ આફ્રિકા સુધી થઈ હોવાનું ષડયંત્ર સાઉથ આફ્રિકના જોહાનિસબર્ગ એરપોર્ટ પરથી પરથી ઝડપાયું છે.જેમાં ગુજરાતમાં રહેતા છ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.આ આરોપીઓ પાસેથી રૂા.ત્રણ કરોડની કિંમતની 3,35,800 જેટલી ટેબ્લેટસનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું મુંબઈ એરપોર્ટ વિભાગમાંથી જાણવા મળે છે.
કોરોનાના દર્દીઓની સારવારમાં ”આઈવરમેકટીન” સચોટ પુરવાર થઈ છે.કોરોનાના સેંકડો દર્દીઓને આનાથી સારૂ થયાના કિસ્સા નોંધાયા છે. આ દવા સાથે તાવ અને શરીરનો દુ:ખાવો દૂર કરવાની ડિકલોફનેક,એમોકસીસીલીન,કલોરફેનીરેમાઈનનો ઉપયોગ શરૂ કરાતોે હતો.વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના દેશોના એરપોર્ટ પણ લોકડાઉન કરી દેવાયા હતા.પરંતુ કોરોનાનો કહેર ઘણો બધો ઘટી જતાં હવે વિશ્વના કેટલાક દેશોના એરપોર્ટ પુન: શરૂ કરાયા છે.છેલ્લા લગભગ છ મહિનાથી કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી આ દવાઓ કે જેના પર સાઉથ આફ્રિકામાં પ્રતિબંધ છે.
તેમ છતાં ગુજરાતના ગામોના કેટલાક રહીશો આ દવાનો જથ્થો દાણચોરી દ્વારા સાઉથ આફ્રિકામાં ઘુસાડતા હોવાની માહિતીના આધારે સાઉથ આફ્રિકા રેવન્યૂ સર્વિસ (કસ્ટમ એન્ડ એકસાઈઝ) અને હેલ્થ પ્રોડકટ રેગ્યુલેટરી ઓથોરિટિ લો એન્ફોર્સમેન્ટ યુનિટે જોહાનિસબર્ગ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી.જેમાં તા.13મી જાન્યુઆરીથી તા.28 જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના ગામોની બે મહિલાઓ સહિત છ આરોપીની જોહાનિસબર્ગ એરપોર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી.ગુજરાતની આ ટોળકીના કેટલાક સાગરીતો 26મી જાન્યુઆરીના રોજ ઝડપાયા હતા.
અમદાવાદ-મુંબઇ એરપોર્ટના કર્મચારીની સંડોવણીની આશંકા
દવાની દાણચોરીમાં હવે મહિલાઓનો પણ ઉપયોગ થઇ રહ્યો છે.અગાઉ મોટાભાગે સોના ચાંદીની દાણચોરી થતી હતી ત્યારે હવે કોરોના મહામારી વચ્ચે દવાઓની દાણચોરીનો નવો ધંધો શરૂ થયો હોવાનું બહાર આવ્યું છે.આ ટોળકી મોટા ભાગે મુંબઇ કે અમદાવાદ એરપોર્ટથી આફ્રિકા દવાનો જથ્થો લઇને જાય છે.તેમાં અહીંના એરપોર્ટના પણ કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
રૂા.3 કરોડની કિંમતની લગભગ 3.35 લાખ ટેબ્લેટ્સનો જથ્થો પકડાયો
એક મહિલા આરોપીને 1,78,200 જેટલી બિનઅધિકૃત દવાઓની ટેબ્લેટો સાથે અને બીજી મહિલાને 66400 ટેબ્લેટો સાથે પકડી પાડી હતી.તેમની સાથે આ ગોરખધંધામાં સંડોવાયેલો એક શખ્સ હતો જેને 49200 ટેબલેટો સાથે ઝડપી પડાયો હતો.આ ત્રણ વ્યક્તિઓ પાસેથી પકડાયેલી દવાની કિંમત લગભગ ત્રણ કરોડ જેટલી થાય છે.પ્રથમ ઘટનામાં તા.13 મી જાન્યુઆરીએ જોહાનિસબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતથી આવેલા એક યુવકને તેની શંકાસ્પદ હિલચાલના આધારે એરપોર્ટના સત્તાધીશોએ ઝડપી પાડયો હતો.
દાણચોરીની ગુનાઇત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આ યુવક પાસેથી આઇવરમેક્ટીન દવાની 24,000 ટેબ્લેટનો (કિંમત લગભગ રૂા.35 લાખ) જથ્થો મળી આવ્યો હતો.ત્યારબાદ તા.26મી જાન્યુઆરીએ ગુજરાતના બે શખ્સોને જોહાનિસબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દવાઓના મોટા જથ્થા સાથે ઝડપી પાડયા હતા.જેમાં એક શખ્સ લગભગ 26 લાખના બજારભાવની 18085 આઇવરમેક્ટીન ટેબલેટો સાથે પકડાયો હતો.તેની સાથે દાણચોરીની આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા બીજા શખ્સ પાસેથી ડાયક્લોફીનેક સોડીયમ દવાની ટેબ્લેટો, ક્લોરોફીનાઇરામાઇન માલીએટ અને એમોક્સોલીન ટેબ્લેટો મળી આવી હતી.

