નવી દિલ્હી : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક યોજી હતી.આ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત,પંજાબના સીએમ,છત્તીસગઢ અને પુડુચેરીના મુખ્યમંત્રી શામેલ થયા હતા.આ બેઠકમાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે,જીએસટી વળતર એક મોટો મુદ્દો લાગે છે.સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા અનુસાર રાજ્યોને સમયસર વળતર આપવું મહત્વપૂર્ણ છે અને આવું થઈ રહ્યું નથી.
સોનિયાએ આરોપ લગાવ્યો કે,રાજ્યોને જીએસટીનું વળતર આપવાનો ઇનકાર કરવો એ રાજ્યો અને ભારતના લોકો સાથે છેતરપિંડી સિવાય કશું નથી. તેમણે કહ્યું, ‘સહયોગી સંઘવાદના ઉદાહરણ તરીકે જીએસટી લાગુ કરવામાં આવ્યું. તેમાં રાજ્યોને પાંચ વર્ષ સુધી 14 ટકા વળતર આપવાનું વચન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પોતાનું વચન તોડ્યું છે.
સોનિયા ગાંધીએ મોદી સરકાર દ્વારા જાહેર સંસ્થાઓના ખાનગીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.સોનિયા ગાંધીએ કહ્યું કે,દાયકાઓથી બનાવવામાં આવેલી જાહેર ક્ષેત્રની સંપત્તિઓ વેચાવામાં આવી રહી છે.કેટલાક રાજ્ય સરકારોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે.છ એરપોર્ટને ખાનગી હાથોમાં સોંપવામાં આવ્યા છે.દેશની જીવાદોરી રેલવેનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.નોંધનીય છે કે,તાજેતરમાં છ એરપોર્ટના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે.જેમાં લખનૌ, જયપુર,ગુવાહાટી,અમદાવાદ,તિરુવનંતપુરમ અને બેગ્લોરનો સમાવેશ થાય છે.
બેઠકમાં પંજાબના સીએમ અમરિંદરસિંહે NEET અને JEE પરીક્ષાઓ યોજવાની બાબતનો મુદ્દો પણ ઉઠાવ્યો.બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આ સંકટના સમયમાં ભાજપ સરકારનું ધ્યાન અન્ય રાજ્યોની સરકારોને ગબડવાની તરફ છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવો ઘટતા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે.તો બીજી બાજુ છત્તીસગઢ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો અને મોદી સરકાર પર નિશાન સાધ્યું.

