અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદમાંથી દારૂ જુગારનું દૂષણ બંધ કરવાની ખાસ કવાયત શરૂ કરાઈ છે.એક તરફ તેમના તાબાના અધિકારીઓ દ્વારા શહેરમાં દારૂ-જુગારના અડ્ડા બંધ થઈ ગયા હોવાની ખોટી વિગતો તેમને આપવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ડીજી વિજિલન્સ અને પીસીબી દ્વારા શહેરમાંથી દારૂના જથ્થા ઝડપી લેવામાં આવી રહ્યા છે.કમિશનર ઓફિસ દ્વારા અમદાવાદ શહેરમાં ચાર દિવસ સુધી દારૂ પકડવાની ડ્રાઇવ શરૂ કરવાના આદેશ અપાયા છે.અમદાવાદ શહેરનો કોઈપણ નાગરિક પોતાની આજુબાજુના બૂટલેગર કે અન્ય કોઈ વિગતો સીધી પોલીસ કમિશનર ઓફિસ સુધી આપી શકે છે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.અમદાવાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ(પીસીબી)એક્ટિવ થઈ જતા રોજેરોજ શહેરમાંથી દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડ પડી રહી છે.પીસીબીને માહિતી મળી હતી કે દારૂનો જથ્થો લઈને ક્રેટા ગાડી એસ.જી.હાઈવે સોલા પોલીસ સ્ટેશન આગળ પહોંચવાની છે.પીસીબીની ટીમે વહેલી સવારે સોલા પોલીસ સ્ટેશન સામેથી જ દારૂ ભરેલી ક્રેટા ઝડપી લીધી હતી તપાસમાં ગાડીમાંથી 1090 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જ્યારે દારૂ લઈને આવતા વાસુગીરી ગોસ્વામી અને નિલેશ પંડ્યાને ઝડપી લેવાયા છે.આ બંને યુવકો વિલાયતી દારૂ અમદાવાદ જિલ્લામાં લઈ જતા હોવાનું જાણી શકાયું છે.દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા વિષ્ણુ સંજય તથા અજયને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરાઈ છે.સમગ્ર પ્રકરણની તપાસ સોલા પોલીસ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી સતત ત્રણ દિવસ જુદી જુદી એજન્સીએ દારૂ ભરેલા ત્રણ કન્ટેનર ઝડપ્યા હતા.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની દેખરેખ હેઠળ કામ કરતી વિજિલન્સની ટીમના કે.ટી.કામરિયાએ સરદારનગર પોલીસના નાક નીચે ધમધમતી દેશી દારૂની ફેક્ટરી ઝડપી લીધી હતી.ત્યારબાદ મોડી સાંજે અમદાવાદ પીસીબીના અધિકારીઓને માહિતી મળી હતી કે સરદારનગર નરોડા રોડ સ્વામિનારાયણ પ્લાસ્ટિકની બાજુમાં જાહેરમાં જાણે કે શાકભાજી વેચાતું હોય તેમ એક પુરુષ અને બે મહિલાઓ દારૂ વેચવા બેઠા છે.જેને પગલે અધિકારીઓએ તરત જ ત્યાં રેડ કરીને જાહેરમાં દારૂ વેચી રહેલા ધરમશી મકવાણા અને બે મહિલાને ઝડપી લીધી હતી તેમની પાસેથી ૧૦૦થી વધારે વિલાયતી દારૂની બોટલો મળી હતી.